મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ સાજિદ મીર પાકિસ્તાનમાંથી જીવતો પકડાયો

155

ઈસ્લામાબાદ : મુંબઈમાં ૨૦૦૮ની ૨૬મી નવેમ્બરે (૨૬/૧૧)ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ સાજિદ મીરની કથિત રીતે પાકિસ્તાનમાં ધરપકડ કરાઈ છે.એફબીઆઈએ સાજિદ મીરને’મોસ્ટ વોન્ટેડ’ આતંકી જાહેર કર્યો છે.અમેરિકન એજન્સીએ મીર વિરુદ્ધ વિદેશી સરકારની સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવા,આતંકીઓને મદદ કરવા,અમેરિકા બહાર તેના નાગરિકની હત્યા કરવા અને જાહેર સ્થળો પર બોમ્બમારો કરવાના આરોપમાં’મોસ્ટ વોન્ટેડ’જાહેર કર્યો હતો.

મુંબઈ હુમલામાં માર્યા ગયેલા ૧૬૬ લોકોમાંથી છ અમેરિકન હતા.એફબીઆઈએ મીરની ધરપકડ અને દોષસિદ્ધિ માટે માહિતી આપનારને ૫૦ લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું.પાકિસ્તાન સરકાર હંમેશાથી સાજિદ મીર અંગે જુઠ્ઠાણું ચલાવી રહી છે.પાકિસ્તાને હંમેશા સાજિદ મીરની હયાતીનો ઈનકાર કર્યો છે.પાકિસ્તાને તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે સાજિદ મીર માર્યો ગયો છે.પરંતુ હવે પાકિસ્તાન આર્થિક કંગાલિયતના આરે આવી ગયું છે અને એફએટીએફ પાસેથી રાહતની આશા રાખી રહ્યું છે એવામાં તે પોતાના પર લાગેલા આતંકને પોષતું હોવાનું કંલક દૂર કરવા માગે છે.

સાજિદ મીર પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા માટે પ્રત્યક્ષરૂપે કામ કરતો હતો.સાજિદ મીર સાથે મળીને તોયબાએ આઈએસઆઈની મદદ અને સમર્થનથી મુંબઈમાં હુમલા કર્યા હતા.આતંકીઓ મુંબઈમાં હતા ત્યારે સાજિદ મીર પાકિસ્તાનમાં તેમનો કંટ્રોલર હતો અને બધી માહિતી આપતો હતો.મીર અંગે વધુ માહિતી નથી,પરંતુ અમેરિકન એજન્સીઓનું માનવું છે કે તે ૨૦૦૧થી તોયબાનો ટોચનો આતંકી રહ્યો છે.૨૦૦૬થી ૨૦૧૧ સુધી તેણે તોયબા તરફથી વિવિધ આતંકી હુમલાની યોજનાઓ બનાવી હતી.

એફબીઆઈનું માનવું છે કે તેણે ૨૦૦૮ અને ૨૦૦૯ વચ્ચે ડેનિશ અખબાર અને તેના કર્મચારીઓ વિરુદ્ધ આતંકી હુમલાનું કાવતરું રચ્યું હતું.એફબીઆઈએ ૨૨ એપ્રિલ, ૨૦૧૧ના રોજ સાજિદ મીર સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.સાજિદ મીર દાઉદ ગિલાની ઉર્ફે ડેવિડ કોલમેન હેડલીનો હેન્ડલર હતો.હેડલી પાકિસ્તાની-અમેરિકન ડબલ એજન્ટ હતો,જેણે લશ્કર-એ-તોયબાની આતંકવાદી ટીમને મુંબઈ હુમલા માટે તૈયાર કરી હતી.

Share Now