૧૩ બાળકો સહિત ૧૦૦ લોકો માટે ફાયર ફાઇટર્સ બન્યા દેવદૂત

98

અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસેના કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે બપોરે લાગેલી આગમાં ૧૩ બાળ દરદીઓ સહિત અંદાજે ૧૦૦ જેટલા લોકો માટે ફાયર જવાનો દેવદૂત બન્યા હતા.૧૫થી વધુ ફાયર ફાઇટર વેહિકલ સહિત ૭૦ જેટલા ફાયર ઑફિસરો અને જવાનો કૉમ્પ્લેક્સમાં ઉપરના ફ્લોર પર ફસાયેલા લોકોને બચાવવા માટે તેમને ટેરેસ પર લઈ ગયા અને ત્યાંથી સ્નૉર્કેલની મદદથી સહીસલામત નીચે ઉતાર્યા ત્યારે ફસાયેલા લોકોના જીવમાં જીવ આવ્યો હતો.આગને કારણે કૉમ્પ્લેક્સમાં ફસાયેલા અનેક લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી.અમદાવાદના ચીફ ફાયર ઑફિસર જે.એન.ખડિયા ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘ગઈ કાલે બપોરે લગભગ સાડાબાર વાગ્યે પરિમલ ગાર્ડન પાસે આવેલા કૉમ્પ્લેક્સમાં આગ ફાટી નીકળી હતી.

આગની જાણ થતાં ૧૫ ફાયર ફાઇટર વેહિકલ સહિત સ્નૉર્કેલ સાથે મારા સહિત ૭૦ જેટલા ફાયર ઑફિસર અને જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ-કામગીરી હાથ ધરી હતી.આગને કારણે કૉમ્પ્લેક્સમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.આ કૉમ્પ્લેક્સમાં બાળકોની હૉસ્પિટલ છે અને ત્યાં ધુમાડો ફેલાઈ ગયો હતો.હૉસ્પિટલમાં ૧૩ બાળકો ઍડ્મિટ હતાં તેમને અને તેમના વાલીઓ,ઓપીડીમાં આવેલાં બાળકો અને તેમના પેરન્ટ્સ તથા હૉસ્પિટલના સ્ટાફને સલામત રેસ્ક્યુ કરવા માટે અમે તૈયારી કરી હતી.

અમે જોયું કે ધુમાડો ફેલાઈ રહ્યો છે એટલે ત્રીજા માળે આવેલી ચિલ્ડ્રન હૉસ્પિટલમાંથી બાળ દરદીઓ,તેમના પેરન્ટ્સ અને સ્ટાફને બચાવી લેવા માટે બધાને સલામત રીતે ધીરે-ધીરે ટેરેસ પર લઈ ગયાં અને ત્યાંથી સ્નૉર્કેલની મદદથી અંદાજે ૧૦૦ જેટલા લોકોને સલામત નીચે ઉતારી લેવાયા હતા.બપોરે ત્રણ વાગ્યે આગ કાબૂમાં આવી ગઈ હતી.’

Share Now