શિવસેનાના બંડખોર વિધાનસભ્યોનાં ઘરો ફરતે કેન્દ્રીય જવાનોની સલામતી

99

મુંબઈ : શિવસેનાના બળવો કરનારા વિધાનસભ્યોના વિરોધમાં મુંબઈ અને પુણે સહિત રાજ્યભરમાં શિવસૈનિકો રસ્તા પર ઊતર્યા છે અને તેમણે તેમની સામે સૂત્રોચ્ચાર કરવાની સાથે પોસ્ટરો ફાડવા ઉપરાંત ઑફિસોમાં તોડફોડ શરૂ કરી છે.આવી પરિસ્થિતિમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલે વિધાનસભ્યોની સિક્યૉરિટી પાછી ખેંચી લેવાનો આરોપ એકનાથ શિંદેએ કર્યો છે.આ બાબતને ગંભીરતાથી લઈને એકનાથ શિંદેનું સમર્થન કરી રહેલા પંદર વિધાનસભ્યોનાં ઘરોની સિક્યૉરિટી કેન્દ્ર સરકાર તરફથી પૂરી પાડવામાં આવી છે અને સીઆરપીએફ(સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ)ના જવાનો તહેનાત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

બળવો કરનારા વિધાનસભ્યો મુંબઈ પાછા ફરશે ત્યારે તેમની સલામતિનો પ્રશ્ન ઉભો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેમને વાય પ્લસ સિક્યોરિટી આપવાનો નિર્ણય ગઈ કાલે લીધો હતો.

એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં પહોંચેલા શિવસેનાના વિધાનસભ્ય સદા સરવણકર સહિતના નેતાઓ સામે શનિવારે શિવસૈનિકોએ આક્રમકતા દાખવતાં તેમના પરિવારની સુરક્ષાની ચિંતા વિશે એકનાથ શિંદે જૂથે કેન્દ્રીય ગૃહસચિવ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર લખ્યા બાદ કેન્દ્ર સરકારે આ તમામ વિધાનસભ્યોના ઘરની બહાર સીઆરપીએફના જવાનો તહેનાત કરવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.એટલું જ નહીં,શહેર વિસ્તારમાં જે વિધાનસભ્યોનાં ઘરો છે ત્યાં કોઈ ગરબડ કે વિરોધ-પ્રદર્શન ન થાય એ માટે બૅરિકેડ્સ પણ લગાવવામાં આવ્યાં છે.

Share Now