મુંબઈ : મુંબઈ યુનિવર્સિટીએ હિન્દુત્વ કે હિન્દુ અભ્યાસ માટે માસ્ટર્સ ડિગ્રી માટેનો બે વર્ષનો અભ્યાસક્રમ જાહેર કર્યો છે.યુનિવર્સિટીએ ઑક્સફર્ડ સેન્ટર ફૉર હિન્દુ સ્ટડીઝની જેમ જ એના પોતાના હિન્દુ અભ્યાસ માટેના કેન્દ્ર (હિન્દુ અભ્યાસ કેન્દ્ર)ની સ્થાપના કરી છે.હિન્દુ સ્ટડીઝમાં બે વર્ષના પૂર્ણકાલીન એમએ માટેના ઍડ્મિશનની પ્રક્રિયા આવતા અઠવાડિયાથી શરૂ થશે એમ યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું.
આર્ટ્સ ફૅકલ્ટી હેઠળનો અભ્યાસક્રમ નવી એજ્યુકેશન પૉલિસી(એનઈપી)૨૦૨૦ને અનુરૂપ એક‘ઇન્ટરડિસિપ્લિનરી પ્રોગ્રામ’હશે એમ સેન્ટર ફૉર હિન્દુ સ્ટડીઝના ડિરેક્ટર(ઇન્ચાર્જ)ડૉ.રવિકાંત સંગુર્ડેએ જણાવ્યું હતું.
આ કેન્દ્ર માત્ર માસ્ટર્સ પ્રોગ્રામ માટે નહીં;પરંતુ કડક શૈક્ષણિક માળખામાં વિવિધ વિષયો પર અન્ય સંલગ્ન સર્ટિફિકેટ,ડિપ્લોમા કોર્સ તેમ જ પીએચડી કાર્યક્રમ પણ ઑફર કરશે એમ મુંબઈ યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું.એમએ કોર્સ માટે કુલ ૬૦ સીટ મંજૂર કરવામાં આવી છે.આ કેન્દ્ર કાલિનામાં મુંબઈ યુનિવર્સિટી વિદ્યાનગરી કૅમ્પસમાં આવેલા બજાજ ભવનમાંથી કાર્ય કરશે.હિન્દુ ધર્મને માત્ર કર્મકાંડ સુધી સીમિત ન રાખી શકાય.એ વૈશ્વિક શાન્તિ અને ભાઈચારાનું પ્રતીક છે.હિન્દુ ધર્મ વિવિધ વિચારો,માન્યતાઓ અને પ્રથાઓના શાન્તિપૂર્ણ સહઅસ્તિત્વમાં માને છે.
ડૉ.રવિકાંત સંગુર્ડેએ કહ્યું હતું કે‘કોઈ પણ પ્રવાહના સ્ટુડન્ટ્સ આ એમએ કોર્સમાં ઍડ્મિશન મેળવી શકે છે.આ કોર્સ હિન્દુ ધર્મના મુખ્ય સિદ્ધાંતોને પ્રકાશિત કરશે અને એમાં ઑન્ટોલૉજી,જ્ઞાનશાસ્ત્ર અને દલીલની કળાનો અભ્યાસ સામેલ હશે.આ ઉપરાંત આ કોર્સમાં પ્રારંભિક સંસ્કૃત પણ શીખવવામાં આવશે.’દેશની અનેક યુનિવર્સિટીમાં એનઈપીને અનુરૂપ હિન્દુ અભ્યાસ કરાવવામાં આવે છે.આ વિષયને એનઈટી અને એસઈટીમાં પણ સામેલ કરાયો છે.