આઇડિયા માથે પડ્યો

104

મુંબઈ : ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડના ફ્લાયઓવરની સ્મૂથ સર્ફેસને કારણે કેટલાક અકસ્માત નોંધાતાં બીએમસીએ નવા બોરીવલી ફ્લાયઓવર પર કપચી અને રેતી પાથરી દીધી,પરંતુ આ આઇડિયાની અવળી અસર થઈ અને મોટરચાલકોએ નવા પુલની રસ્તાની સપાટી જર્જરિત થઈ હોવાની ફરિયાદ કરી હતી અને ત્યાં હજી પણ અમુક કામ ચાલુ હોવાનું જણાવ્યું હતું​.ગયા વર્ષે ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ પર ૩૪ વર્ષના મોટરચાલકનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.બ્રિજની સ્મૂથ સર્ફેસને કારણે કેટલીક મોટરસાઇકલ સ્લિપ થઈ ગઈ હતી.

આ અનુભવને ધ્યાનમાં રાખી બીએમસીએ નવા ખૂલેલા કોરા કેન્દ્ર ફ્લાયઓવર પર કપચી અને રેતી પાથરી હતી.જોકે વરસાદને કારણે એ ધોવાઈ જતાં મોટરચાલકો માટે નવી મુશ્કેલી ઊભી થઈ હતી.વાહનો સ્લિપ થવાને કારણે મોટરચાલકોએ બીએમસીની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતાં બીએમસીના બ્રિજ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર સતીષ થોસરે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ કપચી બ્રિજના સ્મૂથ સર્ફેસને રફ બનાવી અકસ્માત રોકવા માટે પાથરવામાં આવી છે.

એક પ્રવાસી રાજીવ ચેમટેએ કહ્યું હતું કે‘બ્રિજની સુરક્ષા દીવાલ નાની હોવાથી એની હાઇટ વધારવાનું કામ ચાલી રહ્યું છે.ચોમાસા પહેલાં બ્રિજ શરૂ કરીને ટ્રાફિકની સમસ્યા હળવી કરવી આવશ્યક હોવાથી આ કામ હવે હાથ ધરાયું છે.બીએમસીએ વાહનોની ગતિ ધીમી કરવા રોડ પર રમ્બલર્સ પણ મૂક્યાં છે,જે ફોર-વ્હીલર્સ માટે બરાબર છે,પરંતુ ટૂ-વ્હીલર ચાલકો માટે ખાસ કરીને ચોમાસામાં તે અકસ્માતનું કારણ બની શકે છે.’

Share Now