
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૭ની ઇવેન્ટમાં હાજરી આપવા માટે જર્મની પહોંચ્યા છે.અહીં તેમણે ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા.ભારતમાં ૧૯૭૫માં લદાયેલી ઇમર્જન્સીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે જે લોકશાહી આપણું ગૌરવ છે,જે લોકશાહી દરેક ભારતીયોના ડીએનએમાં છે,આજથી ૪૭ વર્ષ પહેલા આ સમયે તે લોકશાહીને બંધક બનાવી તેને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.લોકશાહીને કચડી નાખવાના તમામ કાવતરાનો જવાબ ભારતની જનતાએ લોકશાહી માર્ગે આપી દીધો છે.આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં આપણી લોકશાહી પર ગર્વ અનુભવીએ છીએ.દરેક ભારતીય ગર્વથી કહે છે કે,ભારત લોકશાહીની માતા છે.પીએમએ કહ્યું કે ભારતે બતાવ્યું છે કે આટલા વિશાળ અને આટલી વિવિધતાસભર દેશમાં લોકશાહી કેટલી સારી રીતે ડિલિવરી કરી રહી છે.જે રીતે કરોડો ભારતીયોએ સાથે મળીને મોટા લક્ષ્યો હાંસલ કર્યા છે,તે અભૂતપૂર્વ છે.આજે ભારતનું દરેક ગામ ખુલ્લામાં શૌચ મુક્ત છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે આજે ભારતના દરેક ગામમાં વીજળી પહોંચી ગઈ છે.આજે ભારતના લગભગ દરેક ગામ રોડ દ્વારા જોડાયેલો છે.ભારતના 99 ટકાથી વધુ લોકો પાસે સ્વચ્છ રસોઈ માટે ગેસ કનેક્શન છે.ભારતમાં દરેક પરિવાર બેંકિંગ સિસ્ટમ સાથે જોડાયેલો છે.આજે ભારતના દરેક ગરીબને 5 લાખ રૂપિયાની મફત સારવારની સુવિધા મળી રહી છે.કોરોનાના આ સમયમાં ભારત છેલ્લા બે વર્ષથી 80 કરોડ ગરીબોને મફત અનાજ સુનિશ્ચિત કરી રહ્યું છે.
એટલું જ નહીં,ભારતમાં દર 10 દિવસે સરેરાશ એક યુનિકોર્ન બને છે.તેમણે કહ્યું હતું કે આજે 21મી સદીનું ભારત,ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં,ઇન્ડસ્ટ્રી 4.0 માં,પાછળ રહેનારાઓમાંથી એક નથી,પરંતુ આ ઔદ્યોગિક ક્રાંતિના નેતાઓમાંનો એક છે.ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને ડીજીટલ ટેકનોલોજીમાં ભારત પોતાનો ઝંડો લહેરાવી રહ્યો છે.આજે ભારતમાં 90 ટકા વયસ્કોને રસીના બંને ડોઝ મળી ચુક્યા છે.95 ટકા વયસ્કો એવા છે જેમણે ઓછામાં ઓછો એક ડોઝ લઈ લીધો છે.આ એ જ ભારત છે,જેના વિશે કેટલાક લોકો કહેતા હતા કે 1.25 અબજની વસ્તીને રસીકરણ કરવામાં 10-15 વર્ષ લાગશે.