સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ઉદ્ધવ સરકારને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી

136

મુંબઈ : તા.27 જૂન 2022,સોમવાર : મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદેના જૂથની 2 અલગ અલગ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ છે.એક અરજી એકનાથ શિંદેએ દાખલ કરી છે જ્યારે બીજી અરજી બળવાખોર ધારાસભ્ય ભરત ગોગાવલે તરફથી કરવામાં આવી છે.બંને અરજીઓમાં ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.સૌથી પહેલા તો એ નોટિસને પડકારવામાં આવી છે જેમાં 16 બળવાખોરોની સદસ્યતા સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જ્યારે શિંદેને નેતા પદેથી દૂર કરવા તથા અજય ચૌધરીને ચીફ વ્હિપ નિયુક્ત કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે.

ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી પરત આવ્યા છે.આ કારણે તેમની કાર્યવાહી પર પણ સૌની નજર છે.કોશ્યારીએ કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને બળવાખોર ધારાસભ્યોના પરિવારોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદે જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે.શિંદે તરફથી પોતાના ધારાસભ્ય દળના નેતાને પદ પરથી દૂર કરવામાં આવ્યા,બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવવામાં આવી તથા ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો તેના સામે અરજી કરી છે.

હકીકતે એકનાથ શિંદેની ટીમે બળવો પોકાર્યો ત્યાર બાદ શિવસેનાએ એકનાથ શિંદેને પદ પરથી દૂર કરીને અજય ચૌધરીને ધારાસભ્ય દળના નેતા બનાવ્યા છે.એકનાથ શિંદેની ટીમે ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુક્યો હતો જેને ડેપ્યુટી સ્પીકરે ફગાવી દીધો હતો.શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોના કહેવા પ્રમાણે ડેપ્યુટી સ્પીકર દ્વારા જે નોટિસ મોકલવામાં આવી છે તે ગેરકાયદેસર છે.

Share Now