સુરત : વાહન અકસ્માતના 179 કેસો સહિત પ્રથમવાર બે કેસોમાં મૃતકોના વારસોને રૃા.50.50 લાખ અને રૃા.51 લાખ વળતર ગુજરાત રાજ્ય તથા સુરત જીલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા તા.26મી જુને યોજાયેલી મેગા નેશનલ લોક અદાલતમાં અદાલતી કાર્યવાહી પૂર્વેના 31076 તથા 5121 પ્રિ-લીટીગેશન કેસો મળીને કુલ 36,197 કેસોનો નિકાલ કરાયો હતો.મેજીસ્ટ્રેટ સ્પેશ્યલ સીટીંગમાં કુલ 25,843 તથા અન્ય કુલ 5233 કેસોનો સમાધાનથી નિકાલ કરાયો છે.
સુરત જિલ્લા કાનુની સેવા સત્તામંડળના પુર્ણકાલીન સચિવ તથા એડીશ્નલ સીનીયર સીવીલ જજ એચ.વી.જોટાણીયાએ જણાવ્યું હતું કે મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસના માર્ગદર્શન હેઠળ કુલ 179 જેટલા વાહન અકસ્માત વળતરના પેન્ડીંગ કેસોનો સમાધાનથી નિકાલ લવાયો હતો.જે પૈકી એડીશ્નલ સેશન્સ જજ અમિતાબેન એમ.વૈષ્ણવની કોર્ટમાં ચાલતા વાહન અકસ્માત વળતરના બે કેસોમાં મુખ્ય જિલ્લા સેશન્સ જજ,પક્ષકારો તથા વીમા કંપનીના વકીલોના સહાયથી સમાધાનથી નિકાલ કરાયો છે.
જેના ફલશ્રૃત્તિ સ્વરૃપે સુરત કોર્ટમાં ઈતિહાસમાં સૌ પ્રથમવાર બંને કેસોમાં મૃત્તકના વારસોને અનુક્રમે રૃ.50.50 લાખ તથા 51 લાખનો ચેક મુખ્ય જિલ્લા સેશન્સ જજના હસ્તે અપાયો હતો.મોટર વાહન અકસ્માતના બંને કેસોના પક્ષકારોએ સમાધાનથી નિકાલ કર્યો હતો.તદુપરાંત સુરત ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ જજ આર.જી.દેવધરા તથા ડી.એમ.પંચાલના માર્ગદર્શન હેઠળ પતિ -પત્ની વચ્ચેના લગ્ન જીવન વિષયક તકરારોના વિવિધ પેન્ડીંગ કેસો પૈકી અલગ અલગ ત્રણ જેટલા કેસોમાં બે થી પાંચ વર્ષોથી અલગ અલગ રહેતા પતિ-પત્નીના કેસોમાં પ્રીતીબેન જોશી તથા તૃપ્તિ ઠક્કરના સમાધાન માટેના પ્રયત્નોના પગલે સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો.