સુરત : સિંગણપોર વિસ્તારમાં રહેતી વિધવાની 16 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવવા પીછો અને ફોન તથા સોશ્યિલ મિડીયા પર અપશબ્દો ઉચ્ચારી કનડગત કરવા ઉપરાંત મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ એટેક કરવાની ધમકી આપ્યાની ફરિયાદ સિંગણપોર પોલીસમાં નોંધાય છે.સિંગણપોર વિસ્તારમાં રહેતી વિધવાની પુત્રી કાજલ(ઉ.વ.16 નામ બદલ્યું છે)ધરકામ કરી ગુજરાન ચલાવતી માતાને આર્થિક મદદરૂપ થવા માટે પોતે પણ ઘરકામ કરે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના જૂનો પડોશી કેતન રોહીદાસ કુવાર કાજલનો પીછો કરી વાત કરવાનો પ્રયાસ કરતો હતો.કાજલ કેતન સાથે વાત કરતી નહીં હોવા છતા રહેણાંક મહોલ્લામાં કાજલ તેની પ્રેમિકા છે એમ કહી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.જેથી કાજલનો પરિવાર ભાડાનું ઘર ખાલી કરી અન્ય ઠેકાણે રહેવા ચાલ્યા ગયા હતા.
તેમ છતા કેતને કાજલનો પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું અને ફેસબુક સહિતના સોશ્યિલ મિડીયાના માધ્યમથી મેસેજ કરી અને અલગ-અલગ મોબાઇલથી ફોન કરી મારી સાથે વાત નહીં કરે તો તને મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો.ઉપરાંત માતા-પુત્રીના ચારિત્ર્ય અંગે અપશબ્દો ઉચ્ચારવાની સાથે કાજલના ભાઇને કોલ કરી ધમકી આપી હતી કે જો કાજલ તેની સાથે લગ્ન નહીં કરે તો એસિડ નાંખી મારી નાંખવાની ધમકી આપી હતી.ત્યાર બાદ ગત રોજ વ્હોટ્સએપ કોલ કરી એવી પમ ધમકી આપી હતી કે પોલીસ ફરીયાદ કરશે મારૂ કોઇ તોડી લેવાનું નથી,એવી જગ્યા ઉપર ઉભો છું જયાં પોલીસ પણ શોધી શકશે નહીં.