બળવાખોર નેતા એકનાથ શિંદેના સાંસદ પુત્ર રાઉત પર ભડક્યા

174

મુંબઈ : કલ્યાણના સાંસદ અને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના સુપુત્ર શ્રીકાંત શિંદેએ શિવસેનાના પ્રવકતા અને સાંસદ સંજય રાઉતને જીભ પર કાબૂ રાખી બોલવામાં સંયમ જાળવવા જણાવ્યું હતું.તાજેતરમાં રાઉતે ગુવાહાટીમાં ધામા નાખીને બેઠેલા શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો વિશે અસભ્ય ભાષાનો ઉપયોગ કરતા જણાવ્યું હતું કે’આ નેતાઓનો આત્મા મરી પરવાર્યો છે અને ત્યાં હવે ફક્ત તેમના મૃતદેહો જ છે.’

રાઉતના આ પ્રકારના નિવેદનોને લીધે બળવાખોરો રોષે ભરાયા છે.આજે થાણે જિલ્લાના શિવસેનાના દિવંગત નેતા આનંદ દિધેની સમાધી સ્થળ’આનંદ આશ્રમ’દર્શન માટે આવેલા શ્રીકાંત શિંદેએ પત્રકારોને મુલાકાત આપતા જણાવ્યું હતું.શ્રીકાંત શિંદેએ આગળ જણાવ્યું હતું કે તેઓ પણ કોઈના પિતા છે અને તેમનો પરિવાર પણ ટીવી પર આ બધું જોઈ રહ્યો છે તેમણે આ પ્રકારની ટિપ્પણી કરવાથી દૂર રહેવું જોઈએ.આ સાથે શ્રીકાંત શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે સંજય રાઉતની પોકળ ધમકીઓથી અમે ડરતા નથી.રાઉત જે વાણી-વિકાસ કરે છે તેનો જવાબ આપવામાં અમને કોઈ રસ નથી.

આ પ્રકારની ભાષા કોઈના માટે વાપરવી એ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી.સમગ્ર રાજ્ય અને દેશ રાઉત જે પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે તેને જોઈ રહ્યો છે.જ્યારે સત્તા તમારા હાથમાંથી સરકી રહી હોવાનું જણાય ત્યારે આવું બનતું હોય છે તેવું શિંદેએ જણાવ્યું હતું.

રવિવારે મુંબઈમાં શિવસૈનિકોને સંબોધતા સંજય રાઉતે બેફામ વકતવ્ય કરી બળવાખોરો વિશે ખૂબ જ નીચેના સ્તરે ટિપ્પણીઓ કરી હતી.રાઉતે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે’અમને શીખ મળી છે કે કોના પર ભરોસો કરવો.ગુવાહાટીમાં હવે ફક્ત ૪૦ મૃતદેહો જ બચ્યા છે તેમનો આત્મા મરી પરવાર્યો છે.હવે જ્યારે આ ૪૦ લોકોના મૃતદેહ મુંબઈમાં આવશે ત્યારે તેમના સીધા શબગૃહમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવશે.

Share Now