
વિદ્યાર્થીઓ આ બાબતની ફરિયાદ ટ્વિટરના માધ્યમે કરી રહ્યા છે રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતી કૉસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટ(CMA)ઇન્ટરની પરીક્ષામાં ગંભીર ભૂલ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.ટાઇમટેબલ મુજબ 28 જૂનના રોજ ઓપરેશન મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટનું પેપર હતું,પરંતુ વિદ્યાર્થીઓને લૉ ઍન્ડ એથિક્સના પેપરની કી આપવામાં આવી હતી,જેની પરીક્ષા 29 જૂનના રોજ લેવામાં આવવાની હતી. વિદ્યાર્થીઓએ લગભગ પાંચ મિનિટ સુધી આ પેપર વાંચ્યું હતું.ભૂલની જાણ થતાં જ વિદ્યાર્થીઓને આ પેપર બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું.
આ મુદ્દે વધુ માહિતી આપતા CMA ઇન્ટરની પરીક્ષા આપતાં વિદ્યાર્થી મનન વંડરાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “પરીક્ષા સમયે જ્યારે પેપર કી એન્ટર કર્યા બાદ જ્યારે પેપર ખૂલ્યું તો આવતી કાલનું પેપર વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા.હવે વિદ્યાથીઓના મનમાં મૂંઝવણ છે કે શું આ પેપર લીક થયું છે? જોકે,વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતે આ એકમાત્ર સમસ્યા ન હતી.પરીક્ષા પદ્ધતિ પણ વિદ્યાર્થીઓ માટે પરેશાનીનું કારણ બની છે.”
તેણે ઉમેર્યું કે “અમારી પરીક્ષા સેન્ટર પર ઓનલાઈન પદ્ધતિથી લેવામાં આવે છે,જેમાં ઘણીવાર વિદ્યાર્થીઓએ જવાબનો કેટલોક ભાગ શીટ પર લખી અને અપલોડ કરવો પડે છે.આ સમયે કેટલીક વખત અપલોડિંગ માટે QR કોડ સ્કેન થતો નથી,જેને કારણે વિદ્યાથીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે અને સમય વેડફાય છે.તો કેટલીક વાર તે અપલોડ થઈ શકતું નથી.”ઉલ્લેખનીય છે કે આ અંગે ઈન્સ્ટીટ્યુટ ઑફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા તરફથી અધિકૃત રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.પેપર અંગે સ્પષ્ટતા મેળવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સંસ્થાના અધિકારીઓ અને બોરીવલી સ્થિત એક પરીક્ષા કેન્દ્રનો ટેલિફોન દ્વારા સંપર્ક કર્યો હતો,પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.