મુંબઈ : શિવસેનામાં બળવો કરીને ગુવાહાટીની હોટેલમાં સાત દિવસથી રોકાયેલા એકનાથ શિંદે સહિતના ૪૦ વિધાનસભ્યો કોઈ જોડતોડ કરવાના મૂડમાં નથી એ જાણ્યા બાદ મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમને મનાવવાના પ્રયાસ શરૂ કર્યા છે.ગઈ કાલે તેમણે આ વિધાનસભ્યોને વધુ એક વખત પત્ર લખીને તેમને મુંબઈ આવીને સામસામે બેસીને જે કંઈ ગેરસમજ ઊભી થઈ છે એનો નિવેડો લાવવાનું કહ્યું હતું.પત્રમાં ઉદ્ધવ ઠાકરેએ ત્રણ વખત સામે આવો બેસીને વાત કરીએ એમ ઉલ્લેખ કર્યો હોવાથી તેમણે આ પત્રના માધ્યમથી એકનાથ શિંદે અને અન્યોને મનાવવાના છેલ્લા પ્રયાસ શરૂ કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તમે છેલ્લા દિવસથી ગુવાહાટીમાં અટવાઈ ગયા છો.તમારી બાબતે રોજ નવી-નવી માહિતી આવી રહી છે,તમારામાંથી અનેક સંપર્કમાં છે.તમે આજે પણ મનથી શિવસેનામાં છો.તમારામાંથી કેટલાક વિધાનસભ્યોના પરિવારના સભ્યોએ મારો સંપર્ક કરીને તેમના મનની વાત મને જણાવી છે.તમારી ભાવનાનો હું શિવસેના-પ્રમુખ તરીકે આદર કરું છું.કુટુંબપ્રમુખ તરીકે તમને દિલથી કહું છું કે હજી પણ મોડું નથી થયું.મારું તમને બધાને આહવાન છે કે તમે મારી સામે બેસો તથા શિવસૈનિકો અને જનતાના મનનો ભ્રમ દૂર કરો.
આમાંથી ચોક્કસ કોઈક રસ્તો નીકળશે.આપણે સાથે બેસીને માર્ગ કાઢીએ.કોઈ પણ અને કોઈની ખોટી વાતનો ભોગ ન બનો.શિવસેનાએ જે માન-સન્માન તમને આપ્યું એ ક્યાંય મળી નહીં શકે.સામે આવીને બોલશો તો માર્ગ નીકળશે.શિવસેનાના પક્ષપ્રમુખ અને કુટુંબપ્રમુખ તરીકે આજે પણ મને તમારી ચિંતા થાય છે.સામે આવીને બોલો,આપણે માર્ગ કાઢીશું.
સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથના ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે આપવામાં આવેલી નોટિસ સંદર્ભે ૧૨ જુલાઈ સુધી શિવસેનાને જવાબ આપવાનું કહ્યું છે.આથી આ રાજકીય મહાનાટક હજી લંબાવાની શક્યતા છે.જોકે કોર્ટે વિધાનસભામાં બહુમત સિદ્ધ કરવા માટેની ફ્લોર-ટેસ્ટ મુલતવી રાખવાની માગણી ફગાવી દેવાતાં ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે જૂથને મનાવવા માટેના આખરી પ્રયાસ શરૂ કર્યા હોવાનું તેમણે લખેલા આ પત્ર પરથી જણાઈ આવે છે.