કુર્લાની દુર્ઘટનામાં મોટા ભાગના રહેવાસીઓ હતા ભાડૂત

104

મુંબઈ : કુર્લા-ઈસ્ટના શિવસૃષ્ટિ વિસ્તારમાં આવેલી નાઈકનગર નામની ચાર માળની અંદાજે ૪૫ વર્ષ જૂની ઇમારતની એક વિંગ સોમવારે રાતે ૧૧.૪૫ વાગ્યાની આસપાસ તૂટી પડી હોવાથી ઘટના બન્યાના કલાકો વીતી જવા છતાં ગઈ કાલે પણ કાટમાળ હટાવવાનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. ઘાયલોને સાયન હૉસ્પિટલ અને રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

આ ઘટના વિશે માહિતી આપતાં સુધરાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે‘ઇમારત તૂટી પડ્યાની જાણ તરત જ ફાયર બ્રિગેડ અને લોકલ પોલીસને કરવામાં આવી હતી.ફાયર એન્જિન,રેસ્ક્યુ વૅન તથા ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં.સ્થાનિક લોકોના કહેવા મુજબ એ ઇમારતમાં ૧૦થી ૧૨ પરિવાર રહેતા હતા.મોટા ભાગના પરિવારો ભાડેથી રહેતા હતા.ફાયર બ્રિગેડ દ્વારા તરત જ રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું અને કાટમાળ હેઠળથી લોકોને કાઢવામાં આવી રહ્યા હતા.સવારે ૬ વાગ્યા સુધીમાં આઠ જણને બહાર કાઢી લેવાયા હતા.ઘટનાની ગંભીરતા જોતાં કુલ ૧૨ જેટલાં ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં.આ ઉપરાંત મદદ માટે એનડીઆરએફની ટીમને પણ રેસ્ક્યુ ઑપરેશન માટે મોકલવામાં આવી હતી.

કુર્લા-ઈસ્ટના નેહરુનગર વિસ્તારના વિધાનસભ્ય મંગેશ કુડાળકર હાલ એકનાથ શિંદે ગ્રુપ સાથે ગુવાહાટીમાં છે.તેમણે સોશ્યલ મીડિયામાં એક વિડિયો અપલોડ કરીને કહ્યું હતું કે‘મને ઘટનાની જાણ થઈ છે. ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓ હાલ બચાવકાર્ય કરી રહી છે.મરનારના પરિવારોને હું દિલસોજી વ્યક્ત કરું છે.અમારા નેતા એકનાથ શિંદેના કહેવાથી હું દરેક મરનારના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થનારાઓને એક-એક લાખ રૂપિયાની મદદ આપવાનું જાહેર કરું છું.મરનારના આત્માને ઈશ્વર શાન્તિ આપે એવી મારી પ્રાર્થના.રાજ્ય સરકાર તરફથી મરનારના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઈ છે.‘મિડ-ડે’એ મકાનના સેક્રેટરી સુનીલ રાઠોડનો સંપર્ક કર્યો હતો,પણ વાત થાય એ પહેલાં જ ફોન ડિસકનેક્ટ થઈ ગયો હતો ત્યાર બાદ ફોન લાગ્યો નહોતો.

Share Now