મુંબઈ : પાંચ અબજ ડૉલર એટલે કે અંદાજે ૩૯૫ અબજ રૂપિયાના શાપુરજી પાલનજી(એસપી)ગ્રુપના પાલનજી મિસ્ત્રીનું ગઈ કાલે નિધન થયું હતું.એસપી ગ્રુપ ૭૮૭૬ અબજ રૂપિયાના તાતા ગ્રુપમાં ૧૮.૩૭ ટકા રોકાણ સાથે સૌથી મોટું શૅરહોલ્ડર છે.ભારતમાં જન્મેલા ૯૩ વર્ષના પાલનજીએ બાદમાં આઇરિશ નાગરિકત્વ લીધુ હતું.સોમવારે મોડી રાત્રે એક વાગ્યે મુંબઈના તેમના ઘરમાં તેમનું નિધન થયું હતું.૧૯૨૯માં જન્મેલા પાલનજી મિસ્ત્રીએ કન્સ્ટ્રક્શન બિઝનેસ ધરાવતા એસપી ગ્રુપનું સંચાલન કર્યું હતું.
તેઓ આ ગ્રુપને ભારતની બહાર પણ લઈ ગયા.તેમણે મસ્કતમાં પૅલેસ ઑફ ઓમાન રૉયલ્ટી જેવા મહત્ત્વના પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક પૂરા કર્યા તથા ગ્રુપનો ટેક્સટાઇલ,શિપિંગ અને હોમ એપ્લાયન્સિસ જેવાં અન્ય ક્ષેત્રોમાં પણ વિસ્તાર કર્યો.સરકારે તેમને ૨૦૧૬માં પદ્મભૂષણ આપીને સન્માનિત કર્યા હતા.તેઓ ૧૯૪૭માં ફૅમિલી બિઝનેસમાં જોડાયા હતા તેમ જ પિતાના અવસાન બાદ એસપી ગ્રુપના ચૅરમૅન બન્યા હતા.તાતા ગ્રુપમાં તેમના પિતા શાપુરજી મિસ્ત્રીએ ૧૯૩૦માં શૅર ખરીદ્યા હતા,જે બાદમાં તેમના નામ પર થયા હતા.રતન તાતા સાથે તેમના સારા સંબધો હતા.