– લોકોએ પોલીસની સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને દોષિતોને ફાંસીની સજા આપવાની માગ કરી હતી
ઉદયપુર, તા. 29 જૂન 2022, બુધવાર : ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનના કારણે હત્યા કરવામાં આવેલ કન્હૈયાલાલનો મૃતદેહ બુધવારે લગભગ 11 વાગ્યે ઘરે પહોંચ્યો હતો.એમબી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કન્હૈયાનો મૃતદેહ ઘરે પહોંચાડવામાં આવ્યો હતો.ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.લોકોએ પોલીસની સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને દોષિતોને ફાંસીની સજા આપવાની માગ કરી હતી.
કન્હૈયાના ઘરે પરિવારજનો તથા સબંધીઓ હૈયાફાટ રુદન કરી રહ્યા છે.કન્હૈયાના પુત્રને રડતો જોઈ ત્યાં હાજર બધા લોકોની આંખ ભીની થઈ ગઈ હતી.ઘરની બહાર મોટી સંખ્યામાં નગરજનો એકઠા થઈ ગયા હતા.ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નહતી. ચીસોની વચ્ચે ભીડે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.સુરક્ષા વ્યવસ્થા બનાવી રાખવા માટે આસપાસ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત હતા.
ગોવર્ધન વિલાસથી મોક્ષરથ પર અંતિમયાત્રા નીકળી હતી.અશોક નગર સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો સામેલ છે.તેમની અંતિમયાત્રામા ભારે ભીડ છે.પગપાળા ઉપરાંત મોટા ભાગના લોકો બાઈક અને બીજા વાહનોમાં સવાર છે.શહેરના ધારાસભ્ય અને વિપક્ષના નેતા ગુલાબચંદ કટારીયા પણ મોર્ચરી ગયા હતા અને પરિવારજનોને મળ્યા હતા.તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ટિપ્પણીના કારણે આ વિવાદ શરૂ થયો હતો. ધમકી મળી રહી હતી તેમ છતાં પોલીસે કાર્યવાહી કેમ ન કરી.આ પોલીસની નિષ્ફળતા છે.