સામાન્ય રીતે આવી ઘટના બાદ લોકોને બીએમસી શેલ્ટર આપે છે,પરંતુ મોટા ભાગના મજૂરોએ હૉસ્પિટલની બહાર રસ્તા પર જ રાત વિતાવી હતી મુંબઈ સુધરાઈએ કુર્લાની નાઈકનગર સોસાયટીનું બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાના અસરગ્રસ્તોને હજી સુધી શેલ્ટરમાં ખસેડ્યા નથી.કેટલાક અસરગ્રસ્તોને તો રાત રસ્તા પર વિતાવવાની ફરજ પડી હતી.મકાન ધરાશાયી થવાની ઘટનામાં કુલ ૧૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૫ ઈજાગ્રસ્ત થયા હતા.
રામરાજ સાહનીને મંગળવારે માથામાં તથા પગમાં થયેલી ઈજાની સારવાર બાદ ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.મજૂર તરીકે કામ કરતા રામરાજ સાહનીએ કહ્યું હતું કે ‘બિલ્ડિંગ ધરાશાયી થતાં અમે આઠ મજૂરોએ સર્વસ્વ ગુમાવ્યું હતું.મારી પાસે ખાવા માટે એક પૈસો પણ નથી.હું એક સાથી મજૂર સાથે રહું છું.તે પણ એક કૉન્ટ્રૅક્ટ વર્કર છે.ડિસ્ચાર્જ બાદ કોઈએ મને શેલ્ટર વિશે કહ્યું નથી.મેં અને મારા સાથી મજૂરોએ હૉસ્પિટલની બહાર રસ્તા પર જ રાત વિતાવી હતી.’
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર મહાદેવ શિંદેએ કહ્યું હતું કે‘અમારી પાસે અસ્થાયી શેલ્ટર હોય છે.જો કોઈ અમને પૂછે તો અમે તેમને આશ્રય આપી શકીએ.’સિવિલિ ઍક્ટિવિસ્ટ સંજય ગુરવે કહ્યું હતું કે‘દરેક આપત્તિમાં સુધરાઈ નાગરિકોને અસ્થાયી આશ્રયસ્થાનમાં લઈ જાય છે,પરંતુ આ વખતે શું થયું? કારણ કે તમામ બહારથી આવેલા મજૂરો હતા એટલે સુધરાઈ તેમને શેલ્ટરમાં ન લઈ ગઈ?’