અમદાવાદ : શહેરનાં પૂર્વ પટ્ટામાં નરોડાથી વિંઝોલ સુધીની ૨૨ કિલોમીટર લંબાઇની ખારીકટ કેનાલની આખરે ૧૨૦૦ કરોડનાં ખર્ચે કાયાપલટ થશે અને તેના માટે ટેન્ડર બહાર પાડી દેવાયાં છે. સ્ટે.કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટ તથા વોટર સપ્લાય કમિટી ચેરમેન જતીનભાઇ પટેલે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટ અમલી બનવા જઇ રહ્યો છે તેની વિગત આપતાં કહ્યું કે,આશરે ૧૧૦ વર્ષ પહેલાં ખારીકટ કેનાલનો શહેરનાં પૂર્વ પટ્ટામાં વરસાદી પાણીનાં વહેળા તરીકે ઉપયોગ થતો હતો.ત્યારબાદ રાજય સરકારે નરોડાથી વિંઝોલ સુધીનાં ગામોને સિંચાઇના પાણી આપવા માટે વહેળાની જગ્યાએ કેનાલ બનાવી હતી.
શહેરનાં ઉત્તર ઝોનનાં નરોડા-મુઠીયાથી શરૂ થતી ખારીકટ કેનાલ પૂર્વ અને દક્ષિણ ઝોનનાં જુદા જુદા વોર્ડમાંથી પસાર થાય છે.સિંચાઇ માટેની કેનાલ ખુલ્લી હોવાથી તેમાં કચરો ઠાલવી જનારા અને કેમિકલયુક્ત પાણી છોડી જનારા તત્વો પણ સક્રિય હતા.એટલુ જ નહિ ખારીકટ કેનાલની આસપાસ બની ગયેલી સોસાયટીઓ અને ફેકટરીઓનાં ગેરકાયદે જોડાણો પણ ખારીકટમાં થયેલાં હતા.જેના કારણે હાથીજણ ગામથી ખારી નદીમાં ગંદા અને કેમિકલયુક્ત પાણી વહેતાં હોવાની ફરિયાદો વ્યાપક બની હતી.આ સમસ્યાઓનાં નિકાલ માટે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે અનેક વર્ષોથી વિચારણા ચાલતી હતી.પરંતુ તેમાં જંગી બજેટ ખર્ચાય તેમ હોવાથી વિચારણા કાગળ ઉપર રહેતી હતી.પરંતુ વર્તમાન સમયમાં રાજય સરકારે ખારીકટ કેનાલનાં વિકાસ માટે નાણાંકીય સહાય કરવાનો નિર્ણય લેતાં મ્યુનિ.સત્તાધીશોએ નિષ્ણાત એજન્સીઓને રોકી ડિઝાઇન અને અંદાજ તૈયાર કરાવ્યો હતો.
વોટર સપ્લાય કમિટી ચેરમેને કહ્યું કે,ખારીકટ કેનાલને સરખી કરી તેની ઉપર રોડ બનાવવામાં આવશે,તેમજ રોડની નીચે સિંચાઇનાં પાણીનાં વહન માટે આરસીસી બોક્સ,વરસાદી પાણીનાં નિકાલ માટે આરસીસી બોકસ,ડ્રેનેજ લાઇન સહિતની અંડરગ્રાઉન્ડ યુટિલીટીની વ્યવસ્થા કરવામાં આવશે.જેની પાછળ ૧૨૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.આ તબક્કે સ્ટે.કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટે કહ્યું કે,જે અંદાજ તૈયાર થયો છે તેમાંથી ૫૦ ટકા ખર્ચ એટલે કે ૬૦૦ કરોડ સિંચાઇ ખાતુ આપશે અને બાકીનાં ૬૦૦ કરોડ મ્યુનિ.દ્વારા વર્લ્ડબેંકની ગ્રાન્ટમાંથી કે અન્ય ગ્રાન્ટમાંથી ખર્ચવામાં આવશે.
આ પ્રોજેકટ ઝડપથી પૂરો થાય તે માટે પાંચ તબક્કામાં તેની કામગીરી કરાશે અને તેના માટે અલગ અલગ કોન્ટ્રાકટરોને કામ અપાશે.ખારીકટ કેનાલ ડેવલપમેન્ટની માહિતી આપવા માટે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં મેયર કિરીટભાઇ પરમાર,ડે.મેયર ગીતાબેન પટેલ,દંડક અરૂણસિંહ રાજપૂતની હાજરીમાં પ્રભારી ધર્મેન્દ્રભાઇ શાહે કહ્યું કે,મ્યુનિ.માં ઇતિહાસમાં એક જ પ્રોજેકટ માટે ૧૨૦૦ કરોડનાં ટેન્ડર બહાર પાડવાનો આ પ્રથમ બનાવ છે અને આ પ્રોજેકટ પૂર્વ અમદાવાદ માટે મોટી ભેટ સમાન પૂરવાર થશે.આ પ્રોજેકટમાં નરોડથી વિંઝોલ સુધીનો રોડ બનશે તેનાથી નારોલ-નરોડા હાઇવે ઉપર ટ્રાફિકનુ ભારણ ઘટશે.