સુરત : ડુમ્મસ રોડ એસ.કે.નગર ચાર રસ્તા પાસે મધરાતે વાહન ચેકીંગ અંતર્ગત તમે કયા અધિકારથી વાહન ચેક કરો છો એમ કહી મહિલા પીએસઆઇ સહિતના સ્ટાફ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ ઉભી કરનાર નશામાં ધૂત સાળા અને બનેવી વિરૂધ્ધ ડુમ્મસ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કોમ્બીંગ નાઇટ અંતર્ગત ડુમ્મસ પોલીસના એએસઆઇ શૈલેષ છનાભાઇ સહિતનો સ્ટાફ ડુમ્મસ રોડ એસ.કે.નગર ચાર રસ્તા પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા.તે દરમિયાન મધરાતે સુરત એરપોર્ટ તરફથી રોંગ સાઇડ આવી રહેલી અર્ટીગા કાર નં.જીજે-21 સીએ-9771 ને અટકાવી હતી.પો.કો.અજય જોરૂભાઇએ ચાલકને કારની બહાર આવી ડિક્કી ખોલવા કહ્યું હતું.
પરંતુ નશામાં ધૂત કાર ચાલક મૌલીક જયંતિ નાયક (ઉ.વ.42) કારમાંથી ઉતરવાનો ઇન્કાર કરી તમે કયા અધિકારથી રોડ પર બેરીકેટ લગાવ્યા છે,તમે કયા અધિકારથી વાહનને રોકી ચેક કરો છો એમ કહી બુમાબુમ કરવા લાગ્યો હતો.
જયારે પાછળની સીટ પર બેસેલા મૌલીકના બનેવી રૂપેશ જયંતિ દેસાઇ (ઉ.વ.41)એ પણ પોલીસ સાથે માથાકૂટ કરી હતી.જેથી તુરંત જ પીએસઆઇ મયુરી સાંકળીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.પરંતુ નશામાં ચૂર મૌલીકે તેમની સાથે પણ ઝપાઝપી કરી પો.કો.અજયનો કોલર અને બેઝ ખેંચી લીધો હતો.છેવટે પોલીસે બળપ્રયોગ કરી બંને યુવાનને કાબૂમાં લીધા હતા.