સુરત : સુરત શહેર-જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે આજે ઓલપાડમાં 1 ઇંચ,સુરત શહેરમાં અડધો ઇંચ સહિત સાત તાલુકામાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો.ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા સુરત શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી થયા બાદ આજે દિવસ દરમ્યાન એકાદ બે તાલુકાને બાદ કરતા બાકીના તાલુકામાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો.જેમાં ઓલપાડ તાલુકામાં 1 ઇચ,કામરેજ,બારડોલીમાં પાંચ મિ.મિ,ઉમરપાડામાં ચાર મિ.મિ,મહુવામાં 3 મિ.મિ અને માંડવી,માંગરોળમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો.સુરત શહેરમાં પણ આખો દિવસ વરસાદ અને સૂર્યદેવતા વચ્ચે સ્પર્ધા જામી હોય તેમ કયારેક વાદળીયા હવામાન વચ્ચે જોરદાર વરસાદનું ઝાપટુ પડી જતુ હોય છે.અને કયારેક તાપ પડયો હતો.આ મિશ્ર હવામાન વચ્ચે આજે દિવસ દરમ્યાન સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદી પાણી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ રાહત અનુભવી હતી.