સુરત : મોર્ગેજ પ્લોટના ગેરન્ટર એવા આરોપી કોન્ટ્રાકટર મહેશ ત્રિવેદીનું કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશન જરુરી હોવાનો નિર્દેશ ઓવરવેલ્યુએશન થકી બેંકમાંથી લોન મેળવ્યા બાદ અન્ય બેંકોમાં મિલકત મોર્ગેજ કરી કરાયેલા રૃા.23 કરોડના લોન કૌભાંડમાં વધુ એક આરોપીની આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ નકારી કાઢી છે.
યુનિયન બેંક,આંધ્ર બેંક તથા નાસિક મર્કેન્ટાઈલ બેંકના અધિકારીઓ કર્મચારીઓના મેળા પિપણામાં મિલકતની વાસ્તવિક કિંમતથી વધુ કિંમત દર્શાવીને બેંકમાંથી લોન મેળવ્યા બાદ એક મિલકતોને અન્ય બેંકોમાં મોર્ગેજ તરીકે મુકીને કુલ રૃ.23 કરોડના બેંક લોન કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ હતી.આ કેસમાં સંડોવાયેલા સુરતના કોન્ટ્રાક્ટર તથા એક ફ્લેટના ગેરેન્ટર એવા આરોપી મહેશ હર્ષદ ત્રિવેદી(રે.માધવ પ્લેટીના,જહાંગીરપુરા)એ ધરપકડથી બચવા આગોતરા જામીન માંગ્યા હતા.આર્થિક લાભ મેળવ્યો નથી,ગુનામાં સીધી-આડકરી સંડોવણી નથી,ફ્લેટના ગેરેન્ટર તરીકે મોર્ગેજ ફ્લેટ છુટો થતાં પાકો દસ્તાવેજ કરી આપ્યાની રજૂઆત કરી હતી.
જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિગંત તેવારે જણાવ્યું હતું કે,કૌભાંડની પ્રારંભિક તપાસ નાજુક તબક્કામાં છે.આરોપીઓએ પોતે ભજવવાનો ભાગ નક્કી કરી કૌભાંડ આચર્યું છે.જામીન આપવાથી પુરાવા સાથે ચેડા,પોલીસ તપાસ અને સમાજ પર વિપરિત અસર પડે તેમ છે.કોર્ટે માન્ય રાખી આરોપી કોન્ટ્રાક્ટરના કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોઈ આગોતરા જામીનની માંગ નકારી કાઢી છે.