‘મિડ-ડે’એ એકનાથ શિંદેના માર્ગદર્શક અને સેનાના સ્વર્ગીય નેતા આનંદ દીઘેની બેઠક ટેમ્ભીનાકા ખાતે આનંદ મઠની મુલાકાત લીધી હતી જૂના શિવસૈનિકો ત્યાં ચુપકીદી સેવીને બેઠા હતા અને હાલની રાજકીય ગતિવિધિ વિશે કંઈ પણ ટિપ્પણી કરવાનો વિનમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો.કાયમની માફક આ સ્થળ પક્ષના કાર્યકર્તાઓ અને ઑફિસ-બેરર્સથી ધમધમી રહ્યું હતું.આનંદ મઠનું કામકાજ સંભાળતા જગદીશ થોરાટે જણાવ્યું હતું કે‘આ રાજકારણનું સ્થળ નથી.આનંદ મઠ સામાજિક કાર્ય માટેનું મંદિર છે.અમે હંમેશની માફક કામ કરવાનું ચાલુ રાખીશું.જો થાણેના કોઈ નાગરિકને મદદ જોઈતી હોય તો અમે એના માટે તૈયાર છીએ.
ભૂતપૂર્વ કૉર્પોરેટર નમ્રતા ભોસલેએ જણાવ્યું હતું કે‘હું યુવા સેનામાં સત્તાવાર હોદ્દો ધરાવું છું,પણ શિંદેસાહેબની સાથે છું.તેમણે નવું મહારાષ્ટ્ર બનાવવા તરફ ડગલું માંડ્યું છે.તેઓ સાચા હિન્દુત્વને અનુસરી રહ્યા છે.જો શિંદેસાહેબ કહેશે તો હું હોદ્દા પરથી રાજીનામું આપી દઈશ.’રમેશ ભોસલેએ પણ જણાવ્યું હતું કે‘હું એક શિવસૈનિક છું,પણ હવે એકનાથ શિંદેસાહેબની સાથે છું.તેમણે હિન્દુત્વ માટે અને રાજ્યના ભવિષ્ય માટે સાચું પગલું ભર્યું છે.મહારાષ્ટ્રના તમામ નાગરિકોએ મહામારી અને અન્ય ઘણી કટોકટીની સ્થિતિ દરમિયાન તેમની કામગીરી જોઈ છે.અમે હંમેશાં તેમનું સમર્થન કરીશું.’