એજ્યુકેશન ટેક્નૉલૉજી ગ્રુપ બાયજુસે ગઈ કાલે જણાવ્યું હતું કે એની કંપનીઓ વાઇટ હેટ જુનિયર અને ટૉપરમાં ૫૦૦ કરતાં પણ ઓછા કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. જોકે બરતરફ કરવામાં આવેલા કર્મચારીઓએ દાવો કર્યો હતો કે માત્ર ટૉપર ૧૧૦૦ સ્ટાફ મેમ્બર્સની હકાલપટ્ટી કરવામાં આવી છે.
ટૉપરમાં છટણીની સાથે વાઇટ હેટ જુનિયરમાંથી એપ્રિલ-મેમાં અનેક કર્મચારીઓનાં રાજીનામાં ઉપરાંત ૩૦૦ કર્મચારીઓને ઘટાડવામાં આવ્યા છે.બાયજુસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે‘અમારી બિઝનેસ પ્રાથમિકતાઓમાં ફેરફારો કરવા અને લાંબા ગાળે અમારા ગ્રોથને વધારવા માટે અમે અમારા ગ્રુપની તમામ કંપનીઓમાં અમારી ટીમ્સનો સૌથી વધુ અસરકારક રીતે ઉપયોગ કરવા એમાં ફેરફારો કરી રહ્યા છીએ. આ સમગ્ર કવાયતમાં બાયજૂસની ગ્રુપ કંપનીઓમાંથી ૫૦૦ કરતાં ઓછા કર્મચારીઓ સામેલ છે.’
ટૉપરના બરતરફ કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેમને કંપની તરફથી સોમવારે કોલ આવ્યો હતો અને તેમને રાજીનામું આપવા જણાવ્યું હતું.કર્મચારીઓને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જો તેઓ રાજીનામાં નહીં આપે તો તેમને કોઈ નોટિસ પિરિયડ વિના બરતરફ કરવામાં આવશે.ટૉપરના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે‘હું કેમિસ્ટ્રી સબ્જેક્ટની ટીમમાં સામેલ હતો.મારી સમગ્ર ટીમની હકાલપટ્ટી કરવામાં આવી છે.ટૉપરે પ્રોમિસ આપ્યું હતું કે રાજીનામું આપનારાને એક મહિનાની સેલેરી આપવામાં આવશે અને જેઓ રાજીનામું નહીં આપે તેમને એક મહિનાની સૅલેરી આપવામાં નહીં આવે.ટૉપરમાં લગભગ ૧૧૦૦ લોકોની છટણી કરવામાં આવી છે.’