મુંબઈ : શિવસેનામાંથી બળવો કરીને અલગ જૂથ રચનાર એકનાથ શિંદેએ ગુરુવારે મહારાષ્ટ્રના 20માં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા.જ્યારે ભાજપના દિગજ્જ નેતા દેવેન્દ્ર ફડણવિસે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.આ સાથે જ મહારાષ્ટ્રમાં એક સપ્તા કરતા વધુ સમયથી ચાલી રહેલા રાજકીય નાટકનો આખરે અંત આવ્યો હતો.નાયબ મુખ્યમંત્રી પદ માટે ફડણવીસ માની ગયા તે વાતે પણ મોટું આશ્ચર્ય સર્જાયું છે.મહાવિકાસ અઘાડીની સરકાર અઢી વર્ષમાં પડી ગઈ છે.બુધવારે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.ત્યારબાદ શિંદે જૂથ સત્તામાં આવશે તેમાં કોઈ શંકા નહતી.
જો કે રાજકીય ગલીયારોમાં ભાજપનું પીઠબળ હોવાથી ભાજપના ટોચના નેતા દેવેન્દ્ર ફડણવિસનું નામ સીએમ રેસમાં આગળ હોવાનું ચર્ચાતું હતું પરંતુ આખરે શિંદેના શીરે મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એકનાથ શિંદે તથા દેવેન્દ્ર ફડણવિસને પદ તેમજ ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.
અગાઉ દેવેન્દ્ર ફડણવિસે જાહેરાત કરી હતી કે એકનાથ શિંદે જ મહારાષ્ટ્રના સીએમ બનશે અને તેઓ સરકારમાં સામેલ નહીં થાય અને બહારથી મદદ કરશે.જો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ જણાવ્યું કે પાર્ટી ઈચ્છે છે કે ફડણવિસ નાયબ મુખ્યમંત્રી બને અને તેઓ શિંદે કેબિનેટનો હિસ્સો રહેશે.ફડણવિસે મોટું મન રાખીને નાયબ મુખ્યમંત્રી તરીકે મહારાષ્ટ્ર કેબિનેટમાં જોડાવાનો નિર્ણય કર્યો છે તેમ નડ્ડાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે નાગપુરથી આવતા ફડણવિસે જે પી નડ્ડાની વિનંતી તેમજ રાજ્યના હિતને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.