મુંબઈ : તા.02 જુલાઈ 2022,શનિવાર : એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે પરંતુ મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણનો હજુ અંત નથી આવ્યો.ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પાર્ટીના સંગઠનમાં’શિવસેના નેતા’ના પદ પરથી દૂર કરી દીધા છે.
તેના પહેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે,એકનાથ શિંદે ‘શિવસેનાના મુખ્યમંત્રી નથી’અને પાર્ટીને કિનારે રાખીને કોઈ શિવસેના ન હોઈ શકે.વધુમાં કહ્યું હતું કે,જે લોકોએ 2.5 વર્ષ પહેલા પોતાનું વચન પૂરૂ ન કર્યું અને શિવસેનાની પીઠમાં છરો ભોંકીને…તેઓ ફરી એક વખત તેને(શિંદેને)શિવસેનાનો મુખ્યમંત્રી ગણાવીને શિવસૈનિકો વચ્ચે સંશય પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.તે(શિંદે)શિવસેનાનો મુખ્યમંત્રી નથી.શિવસેનાને અલગ રાખીને કોઈ શિવસેનાનો મુખ્યમંત્રી ન બની શકે.’
પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે,શિંદે પાર્ટીવિરોધી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે.જોકે એકનાથ શિંદે દ્વારા પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે,તે જ શિવસેનાનો નેતા છે કારણ કે,ટીમ ઠાકરે અલ્પસંખ્યકની સ્થિતિમાં છે.ઠાકરેના હસ્તાક્ષરવાળા આ પત્રમાં લખ્યું છે કે,’મને શિવસેનાના પક્ષ પ્રમુખ તરીકે જે શક્તિઓ મળી છે તેનો પ્રયોગ કરીને હું તમને પાર્ટી સંગઠનમાં શિવસેનાના નેતા તરીકેના પદ પરથી દૂર કરૂં છું.’