મુંબઇના ટ્રેડમ કંપનીના રોકાણની લાલચ આપી અડાજણના આધેડ પાસે રૂ. 80.35 લાખ પડાવ્યા

118

સુરત : અડાજણના સફાયર બિઝનેશ હબમાં ઓફિસ ધરાવતા આધેડને મુંબઇ-દાદરની ટ્રેડમ નામની કંપનીના સંચાલક દંપતી અને સીઇઓએ મહિને 20 ટકા વળતરની લાલચ આપી રૂ. 80.35 લાખ પડાવી લઇ રાતોરાત ઓફિસને તાળા મારી રફુચક્કર થઇ જતા અડાજણ પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે.

અડાજણના મધુવન સર્કલ સ્થિત સફાયર બિઝનેસ હબમાં અવિધ્ન સોલ્યુશન અને ગોલ્ડફ્રિંચ પાવર એન્ડ આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ.નામે ઓફિસ ધરાવતા મૃગેશ બબનરાવ પવાર(ઉ.વ.53 રહે.ઇ/203, બેજનવાલા કોમ્પ્લેક્ષ,તાડવાડી,રાંદેર રોડ)નો જાન્યુઆરી 2020 માં વસંતકુમાર એગન નગરાળે (રહે.319,આઇમ્સ સ્કેવર,વી.આઇ.પી રોડ,વેસુ અને શીવ એપાર્ટમેન્ટ, હરિનગર-3, ઉધના) સાથે પરિચય થયો હતો. વસંતે મુંબઇના દાદરના હાજી હબીબ બિલ્ડીંગમાં ટ્રેડમ નામની કંપનીમાં સીઇઓ તરીકેનું કામ કરતો હોવાનું અને કંપનીના માલિક રાજકુમાર મનોહરકુમાર સીંગ અને તેની પત્ની કોમલ રાજકુમાર સીંગ હોવાની ઓળખ આપી હતી.રાજકુમાર અને વસંતે મૃગેશને રોકાણના 20 ટકા વળતરની લાલચ આપી ટુક્ડે-ટુક્ડે રૂ.1.50 કરોડનું રોકાણ કરવાનો એમ.ઓ.યુ કર્યો હતો.

શરૂઆતમાં રૂ.10 લાખનું રોકાણ કરનાર મૃગેશને અસારી અને ઓઝોન કંપનીના શેર સિક્યુરીટી પેટે ડિપોઝીટ કર્યા હતા.મૃગેશે પોતાની અલગ-અલગ કંપનીમાંથી ટુક્ડે-ટુક્ડે રૂ.80.35 લાખ આરટીજીએસથી ટ્રેડમ કંપનીમાં રોકાણ કર્યુ હતું.શરૂઆતમાં વળતર ચુકવ્યા બાદ રાજકુમાર રાતોરાત પોતાની ઓફિસ અને મોબાઇલ ફોન બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયો હતો.ઉલ્લેખનીય છે કે રાજકુમારે એક માત્ર મૃગેશ નહીં પરંતુ અનેક લોકો પાસેથી રોકાણના નામે કરોડો રૂપિયા પડાવ્યા છે અને આ મુદ્દે મુંબઇના દાદર,ભોયવાડા અને પૂણેના પીપંપળી,ચીંચવડ અને ખરાડી ચંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી પણ થઇ છે.

Share Now