લોકોના બજેટ પર મોંઘવારીનું બુલડોઝર

109

રાંધણગૅસના સિલિન્ડરની કિંમતમાં ગઈ કાલે ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.મે મહિનાથી આ ત્રીજી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સબસિડી વિનાના રાંધણગૅસના ૧૪.૨ કિલોના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૧૦૫૩ રૂપિયા રહેશે.પાંચ કિલોના રાંધણગૅસના સિલિન્ડરની કિંમતમાં ૧૮ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જોકે ૧૯ કિલોના કમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ૮.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં હવે ૧૦૫૩ રૂપિયા રહેશે,જ્યારે મુંબઈમાં ૧૦૫૨.૫૦ રૂપિયા રહેશે.કલકત્તા અને ચેન્નઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત હવે અનુક્રમે ૧૦૭૯ અને ૧૦૬૮.૫૦ રૂપિયા રહેશે.આ વર્ષે અત્યાર સુધીમાં સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૫૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર રાંધણગૅસના સિલિન્ડરની કિંમતમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો કરી રહી છે જેના માટે વિપક્ષો સરકારની આકરી ટીકા કરી રહ્યા છે.

એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવા બદલ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતાં કૉન્ગ્રેસે ગઈ કાલે એને‘જનતા વિરોધી નિર્ણય’ગણાવ્યો હતો. સાથે કહ્યું હતું કે બીજેપીની સરકાર લોકોના બજેટ પર ‘મોંઘવારીનું બુલડોઝર’ફેરવી રહી છે.કૉન્ગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે‘એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજે વધુ એક વખત વધારો કરવામાં આવ્યો છે.સરકાર મોંઘવારી દ્વારા લોકોના બજેટ પર બુલડોઝર ચલાવી રહી છે.’દરમ્યાનમાં જુલાઈમાં બીજી વખત કમર્શિયલ રાંધણગૅસના સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.આ પહેલાં પહેલી જુલાઈના રોજ ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

Share Now