સુરત : સુરતના ડિંડોલી ખરવાસા રોડ સ્થિત રાજમહલ મોલમાં આવેલી ઓનલાઈન કપડાંની દુકાનમાં છ મહિનાથી કામ કરતો યુવાન રૂ.7.50 લાખના 3500 નંગ શર્ટપીસનો જથ્થો આવ્યાના ગણતરીના કલાકોમાં જ ચોરી વતન હરિયાણા પહોંચ્યો હતો અને સસ્તામાં વેચવા માંડયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં સચીન તલંગપુર ગામ શ્રીજી પ્રવેશ રેસીડેન્સી બી/115 માં રહેતો 24 વર્ષીય વિજય દશરથભાઈ મરાઠે ડિંડોલી ખરવાસા રોડ સ્થિત રાજમહલ મોલમાં ભોયતળીયે દુકાન નં.92 માં જે.કે.બધર્સના નામમે કિરણ ઉપેન્દ્રભાઈ કોટા સાથે ભાગીદારીમાં ઇ-કોમર્સ ઓનલાઇન કપડાની દુકાન ધરાવે છે.તેને ત્યાં છ મહિનાથી યુસુફ આમીન કુરેશી (રહે.ઘર નં.593,અજુમનની ચાલ,મુસ્લીમ પટેલ મહોલ્લો,અડાજણ ગામ,સુરત)રૂ.10 હજારના પગારથી નોકરી કરતો હતો.આગામી દિવસોમાં ઘણા તહેવારને લીધે બંને ભાગીદારોએ ગત 27 જૂનના રોજ 3500 નંગ શર્ટપીસ મંગાવ્યા હતા.
શર્ટપીસ પહેલીના રોજ આવવાના હોવાથી વિજયે દુકાનની ચાવી યુસુફને આપી તેને ઉતારીને મુકાવવાની સૂચના આપી હતી અને પોતે પેમેન્ટની ઉઘરાણી માટે નીકળી ગયા હતા.જોકે,બીજા દિવસે સવારે પોતાના મોબાઈલ ફોનનું ચાર્જર દુકાને રહી ગયું હોય વિજયે ભાગીદારના માસીયાઈ ભાઈ મહીને ત્યાં મોકલ્યો તો દુકાન આખી ખાલી હતી.આગલા દિવસે બપોરે આવેલો રૂ.7.50 લાખની મત્તાના 3500 નંગ શર્ટપીસના જથ્થા ઉપરાંત દુકાનમાં મુકેલા બે લેપટોપ,કોમ્પ્યુટર સાથે યુસુફ પણ ગાયબ હોય તેને ફોન કર્યો હતો.જોકે, યુસુફ ફોન રિસીવ કરતો નહોતો.