હજીરાના ગુંદરડી ફળિયામાં 30 ઘરોમાં બે ફુટ સુધી પાણી ભરાઇ ગયા

104

સુરત : ચોર્યાસી તાલુકાના ભારે વરસાદના પગલે હજીરાના ગુંદરડી ફળિયાના ૨૫ થી ૩૦ ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન ખોરવાયુ હતુ.સ્થાનિક ગ્રામજનોએ કંપનીના દબાણના કારણે પાણી ભરાયા હોવાના આક્ષેપ કર્યા હતા.તો કંપની દ્વારા ડી-વોટરીંગ પંપ ગોઠવીને પાણીનો નિકાલ શરૃ કર્યો છે.ચોમાસાની શરૃઆત થયા બાદ મેઘરાજા દરરોજ કોઇને કોઇ તાલુકામાં દિવસને બદલે રાત્રીના જ મનમુકીને વરસી રહ્યા છે.ગત દિવસોમાં ચોર્યાસી તાલુકામાં મુશળધાર વરસાદના પગલે છેવાડાના હજીરાપટ્ટીના ગુંદરડી ફળિયામાં પાણી ફરી વળતા ૨૫ થી ૩૦ ઘરોમાં એક ફુટ થી લઇને બે ફુટ સુધીના પાણી ઘરમાં ભરાતા ગ્રામજનોને ભારે તકલીફ પડી હતી.કુદરતી હાજત માટે જવામાં પણ મુશ્કેલી સર્જાઇ હતી.

ગ્રામજનોએ આ પાણીના ભરાવા માટે જુની એસ્સાર અને હાલની એએમએનએસ કંપની દ્વારા પુરાણ,ઘણા સ્થળે બનાવેલી દિવાલને જવાબદાર ગાણવી છે.ગુંદરડી ફળિયામાં પાણી ફરી વળતા ગ્રામજનોની ઘરવખરીને નુકસાન થયુ છે.દરમ્યાન એએમએનએસ દ્વારા ગ્રામમાં વ્યાપક નુકસાનના પગલે પાણીના ઝડપી નિકાલ માટે ડિવોટરીંગ પંપ મુકાયા છે.એએમએનએસના પ્રવકતાએ જણાવ્યું કે,આ ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી અંહિ દર વર્ષે પાણી ભરાય છે.કંપની દ્વારા અન્ન વિતરણ સાથે રાહત કામગીરી હાથ ધરાઇ છે.

Share Now