સુરતના ઓલપાડ તાલુકામાં માત્ર કલાકમાં અધધધ 4 ઇંચ વરસાદ ખાબક્યો

118

સુરત : સુરત જિલ્લામાં દિવસે વિરામ અને રાત્રીના ધોધમાર વરસી રહેલા મેઘરાજા મંગળવારની રાત્રીના મળસ્કે ચાર વાગ્યે ઓલપાડ તાલુકામાં દેમાર વરસવાનુ ચાલુ કરતા બે જ કલાકમાં અધધધ ૪ ઇંચ વરસાદ ખાબકતા પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.૨૪ કલાકમાં ઓલપાડ તાલુકામાં ૫ ઇંચ વરસાદ નોંધાયો હતો.

ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા રાત્રીના કોઇને કોઇ તાલુકામાં દેમાર વરસી રહ્યા છે.મંગળવારની રાત્રીના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો.આ વરસાદ મળસ્કે ચાર વાગ્યા થી લઇને સવારે છ વાગ્યા સુધીના બે કલાકમાં સાબલેધાર વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતા.મેઘરાજાનુ આ જોર આજે દિવસના પણ જોવા મળતા ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો.આમ ઓલપાડ તાલુકામાં ૨૪ કલાકમાં પાંચ ઇંચ વરસાદી પાણી પડયુ હતુ.અન્ય તાલુકામાં મેઘરાજા રાત્રીના સામાન્ય વરસ્યા હતા.

વરસાદનું આ જોર આજે દિવસના પણ જોવા મળ્યુ હતુ.મંગળવારની સાંજે છ વાગ્યા થી લઇને આજે સાંજે છ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ઓલપાડમાં ૫ ઇંચ,ઉમરપાડા,ચોર્યાસી,મહુવામાં ૧ ઇંચ,કામરેજ, પલસાણા,બારડોલી,માંગરોળમાં ૦.૫ ઇંચ અને સુરત શહેરમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો.આજના વરસાદની સાથે જ સુરત શહેર અને જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૪૩૨૦ મિ.મિ અને સરેરાશ ૧૭.૨૮ ઇંચ અને ૨૯ ટકા વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં ૨૪ ઇંચ અને સૌથી ઓછો વરસાદ માંડવી તાલુકામાં ૭.૫ ઇંચ નોંધાયો છે.આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે તમામ તાલુકા મથકે સાવચેતીના પગલા લેવા માટે તાકીદ કરાઇ છે.

Share Now