સુરત : રિક્ષાચાલકે પીએસઆઈ તરીકે ઓળખ આપી અન્યો સાથે મળી વૃધ્ધ પાસે જંગી રકમની માંગણી કરી હતી વૃધ્ધને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપીને બળજબરીથી રૃ.5 લાખ પડાવવાના કારસામાં સંડોવાયેલા આરોપીએ ઉમરા પોલીસની ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ વિવેક મપારાએ નકારી કાઢી છે.અમરોલી વિસ્તારમાં રહેતી આધેડ આરોપી મહીલાએ ફરિયાદી 53 વર્ષીય વેપારી વૃધ્ધને કાપડના ધંધાના બહાને ઘરે બોલાવીને અન્ય સહ આરોપીઓના મેળા પિપણામાં ફરિયાદી વૃધ્ધને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપી રૃ.5 લાખની ખંડણીની માંગ કરાઇ હતી.જેથી વૃધ્ધે હનીટ્રેપમાં ફસાવી પોલીસના નામે તોડ કરવાના કારસા અંગે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ધરપકડથી બચવા આરોપી રિક્ષા ચાલક દેવેન્દ્ર ભગવતી પ્રસાદ જોશી(રે.ઉમિયાધામ એપાર્ટમેન્ટ,કોસાડ-અમરોલી)એ આગોતરા જામીન માંગ્યા હતા.જેમાં શંકાના આધારે ખોટી સંડોવણી કર્યાનું જણાવ્યું હતું.જેના વિરોધમાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આ હનીટ્રેપનો કેસ છે.હાલના આરોપીએ પોતાની જાતને પોલીસ તરીકે દર્શાવીને ફોન પર ફરિયાદી પાસેથી ખંડણી માંગી છે.તદુપરાંત અન્ય એક વાસ્તવિક પોલીસ કર્મચારી પણ આ કેસમાં સંડોવાયેલા હોઈ આરોપીની કસ્ટોડીયલ પુછપરછ જરૃરી જણાય છે.