એક ફોને બચાવી ગુજરાતી સિનિયર સિટિઝન દંપતીની જિંદગી:પોલીસનો ડર બતાવીને ૩૦ લાખ રૂપિયા લીધા પછી તમામ જાયદાદ પડાવી લેવા દંપતી પાસે સુસાઇડ નોટ લખાવીને તેમને આત્મહત્યા કરવા કહ્યું:જોકે સુસાઇડ કરતાં તેમનો જરીકે જીવ ન ચાલ્યો એટલે તેમણે ભાઈનો સંપર્ક કર્યો
કાંદિવલીમાં રહેતા સિનિયર સિટિઝન ગુજરાતી દંપતીને પોલીસનો ડર બતાવીને આશરે ૩૦ લાખ રૂપિયા પડાવી લીધા પછી તેમની તમામ જાયદાદ પડાવી લેવા માટે એક આરોપીએ દંપતી પાસે સુસાઇડ નોટ લખાવીને તેમને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યા હતા.જોકે આત્મહત્યા કરતાં જીવ ન ચાલતાં ફરિયાદીએ પોતાના ભાઈનો સંપર્ક કર્યો હતો.એ પછી તમામ ઘટનાની ફરિયાદ ચારકોપ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
કાંદિવલીના ચારકોપ ગામમાં જલારામ મંદિર નજીક રહેતા ૬૯ વર્ષના રસિક શિરોદરિયાએ કરેલી ફરિયાદ અનુસાર છેલ્લાં ૧૮ વર્ષથી જોગેશ્વરી સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં તેઓ મૅનેજર તરીકે કામ કરે છે.સમાજના લગ્ન-હૉલથી લઈને ગેસ્ટ હાઉસનું બુકિંગનું કામ તેઓ કરે છે.મે ૨૦૨૨માં સમાજના ગેસ્ટ હાઉસમાં વિવેક જયંતી ભદાની રૂમ બુક કરવા માટે આવ્યો હતો એટલે તેને એક રૂમ આપવામાં આવી હતી.વિવેક ગેસ્ટ હાઉસમાં વધુ સમય રહેતાં બન્ને વચ્ચે સારી ઓળખ થઈ ગઈ હતી.૬ જૂને રસિકભાઈનો ગેસ્ટ હાઉસના બીજા મૅનેજર સાથે ઝઘડો થયો હતો એ વાત રસિકભાઈએ વિવેકને કહી હતી.
એ પછી રસિકભાઈનો વિશ્વાસ જીતવા માટે વિવેકે તેમને કહ્યું હતું કે હું બીજા મૅનેજરની ફરિયાદ સમાજના ટ્રસ્ટ્રીને કરીશ અને તેને નોકરી પરથી કઢાવીશ.૧૪ જૂને રસિકભાઈ કામ પર હતા એ દરમ્યાન તેમને એક ઈ-મેઇલ આવી હતી જેમાં મુંબઈ પોલીસ લખેલું હતું અને મુંબઈ પોલીસનો લોગો પણ હતો.એ જોઈને રસિકભાઈ ખૂબ ડરી ગયા હતા.તેમણે એ ઈ-મેઇલ વિવેકને બતાવી હતી.એ જોઈને વિવેકે તેમને કહ્યું કે મારી પોલીસમાં ઓળખાણ છે,હું બધું સંભાળી લઈશ.આ તમામ મૅટર પૂરી કરવા માટે એક લાખ રૂપિયાની માગ પોલીસને આપવા માટે તેણે કરી હતી.ખૂબ જ ડરી ગયેલા રસિકભાઈએ એક લાખ રૂપિયા આપી દીધા હતા.એ પછી રસિકભાઈ પર મ્હાડા વિભાગમાંથી ખોટી ઈ-મેઇલ આવી હતી જેમાં લખ્યું હતું કે જે ઘરમાં તમે રહો છો એ કાયદેસર નથી એટલે તમારે મ્હાડા વિભાગના અધિકારીઓને પૈસા આપવા પડશે.એમ કહીને ધીરે-ધીરે કરતાં ૩૦,૬૮,૯૦૦ રૂપિયા વિવેકે લીધા હતા.