વરસાદ તો ઝાલ્યો નથી ઝલાતો, આજે રેડ અલર્ટ

110

છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ મુંબઈમાં ૮૨ મિ.મી.,સાંતાક્રુઝમાં ૧૨૫ મિ.મી.અને કોલાબામાં ૧૧૦.૬ મિ.મી.વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ એટલે કે ૧૦ જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.ખાસ કરીને કોંકણ ક્ષેત્રના તમામ જિલ્લામાં મધ્યમથી અતિભારે વરસાદ એટલે કે ૬૪થી ૨૦૦ મિલીમીટર(મિ.મી.)વરસાદની ચેતવણી આપવામાં આવી છે.ભારે વરસાદ વચ્ચે સતત ચોથા દિવસે આર્થિક રાજધાનીમાં ભારતીય હવામાન વિભાગે મુંબઈ,થાણે અને પાલઘર માટે ૮ જુલાઈ એટલે કે આજ માટે રેડ અલર્ટ જાહેર કરી છે.છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ મુંબઈમાં ૮૨ મિ.મી., સાંતાક્રુઝમાં ૧૨૫ મિ.મી.અને કોલાબામાં ૧૧૦.૬ મિ.મી.વરસાદ નોંધાયો હતો.પૂર્વ અને પશ્ચિમનાં ઉપનગરોમાં ૧૦૯ મિ.મી.અને ૧૦૬ મિ.મી. ધોધમાર વરસાદ નોંધાયો હતો.

બીજી બાજુ મુંબઈમાં રેડ અલર્ટ અને ઑરેન્જ અલર્ટની વારંવાર વિનંતીઓ અને અપીલો છતાં વહીવટી તંત્રે જોયું છે કે મુંબઈકરો અને અન્ય પ્રવાસીઓ બીચ પર ફરવા જાય છે અને બીચ પર નાહતા જોવા મળે છે.આને ધ્યાનમાં રાખીને બીએમસીએ આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે એ અનુસાર,રેડ અલર્ટ અને ઑરેન્જ અલર્ટના દિવસે મુંબઈકરને સવારે ૬થી ૧૦ વાગ્યાની વચ્ચે બીચ પર જવાની મંજૂરી આપવામાં આવશે.આ વર્ષના ચોમાસામાં ડૂબી જવાના આશરે દસ બનાવ નોંધાયા છે.

ચોમાસાની સાનુકૂળ સ્થિતિને કારણે મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણ પ્રદેશમાં છેલ્લા ૩થી ૪ દિવસમાં સારો વરસાદ થયો છે.આઇએમડીના જયંત સરકારે જણાવ્યું હતું કે‘આગામી ૪થી ૫ દિવસ સુધી એ યથાવત્ રહેશે.વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની લાંબા અંતરની ટ્રેનો થોડી મોડી દોડી હતી.

કોંકણ વિભાગમાં પાલઘરમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૧૩૮ મીમી વરસાદ નોંધાયો હતો.ભારતીય હવામાન વિભાગ અનુસાર,પાલઘર જિલ્લામાં ભારે વરસાદની આશંકા છે,સાવચેતીના પગલા તરીકે જિલ્લામાં એનડીઆરએફની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે,જ્યારે થાણેમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૯૫.૭ મીમી વરસાદ પડી ગયો છે.જિલ્લામાં પૂરની સ્થિતિ નથી અને તમામ નદીઓ ચેતવણીના સ્તરથી નીચે વહી રહી છે.તમામ પ્રકારનો ટ્રાફિક સરળતાથી ચાલી રહ્યો છે.તકેદારીના પગલા તરીકે જિલ્લામાં બે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે.

Share Now