વસઈના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટનાં અનેક કારખાનાં અને યુનિટમાં વરસાદમાં પાવર ફેલ્યરની સમસ્યા વધતાં પ્રોડક્શન પર અસર થવાથી વેપારીઓમાં ફેલાઈ ચિંતા વસઈ-વિરારમાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોના રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં.અનેક રસ્તા પર પાણીનું પ્રમાણ વધતાં વાહનો ચલાવવાનું શક્ય બન્યું નહોતું.અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.જોકે આવી પરિસ્થિતિમાં વસઈ-ઈસ્ટમાં આવેલા વસઈ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં વધુ પ્રમાણમાં પાણી ભરાયાં ન હોવાથી વેપારીઓએ અમુક હદે રાહત અનુભવી હતી.જોકે કારખાનાંમાં કે યુનિટમાં વરસાદનું પાણી નહોતું ગયું, પણ વરસાદને કારણે વારંવાર વધુ પ્રમાણમાં પાવર સપ્લાય કલાકો સુધી બંધ રહેતાં પ્રોડક્શનનું અને એને લીધે આર્થિક નુકસાન પણ વેઠવું પડી રહ્યું હોવાથી વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
વસઈ,નાલાસોપારા અને વિરારના અનેક રહેઠાણ ભાગમાં મુશળધાર વરસાદને કારણે ખૂબ પાણી ભરાયાં હોવાથી નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થયું હતું.રસ્તાઓ પર પાણી ભરાતાં રિક્ષાવાળાઓની લૂંટ પણ વધી હતી.વસઈ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પણ ખૂબ પાણી ભરાઈ જશે એવું વેપારી વર્ગને લાગ્યું હતું,પરંતુ મુશળધાર વરસાદ બાદ પણ પાણી મોટા પ્રમાણમાં ભરાયાં નહોતાં.ભારે વરસાદમાં પાણી ન ભરાતાં કારખાનાં અને યુનિટોમાં પાણી ગયું ન હોવાથી વેપારીઓના માલ-સામાનને નુકસાન થયું નહોતું.એની સરખામણીમાં ગયા વર્ષે પાણી ભરાઈ જતાં વેપારીઓને ખૂબ નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
વસઈ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં અગ્રવાલ એસ્ટેટમાં સ્ટીલનાં વાસણો બનાવવાનું કામકાજ કરતા સાગર નાગડાએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘અમે તૈયારી રાખી હતી કે આટલો વરસાદ પડી રહ્યો છે તો વરસાદનું પાણી કારખાનામાં આવશે,પરંતુ આવ્યું નહીં એટલે રાહત હતી.જોકે વરસાદને કારણે પાવર ફેલ્યરનું પ્રમાણ વધી જતાં કલાકો કામ બંધ પડી રહે છે.છેલ્લા ત્રણ દિવસથી અમારે ત્યાં પાવરના ધાંધિયા થયા છે.એમ કહો તો ચાલે કે છ વર્કિંગ દિવસની અંદર સાડાચાર દિવસ જ કામ થાય છે.’