ATMમાં ચપ્પુની અણીએ ફરિયાદીને લુંટી લેનાર લબરમૂછીયાના જામીન રદ

122

સુરત : કિશોર સાથે મળીને આરોપીએ નાણાં જમા કરાવવા આવેલાને ચપ્પુ બતાવી 1.87 લાખ તથા મોબાઈલ લુંટી લીધો હતો સચીન જીઆઈડીસી વિસ્તારમાં એટીએમની અંદર નાણાં જમા કરાવવા આવનારને કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોર સાથે મળીને લુંટનાર આરોપી યુવાનની જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ નકારી કાઢી છે.

સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલા ધી વરાછા કો.ઓ.બેંકના એટીએમમાં તા.8-6-22ના રોજ નાણાં જમા કરાવવા ગયેલા ફરિયાદીને 19 વર્ષીય આરોપી મહાબીર ઉર્ફે મહાવીર શીવ પાસી(રે.પાલીગામ,સચીન જીઆઈડીસી)વોન્ટેડ રણજીત ભારતીય સહિત કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરે ચપ્પુ બતાવીને રૃ.1.87 લાખ થતા ૫ હજારની કિંમતનો મોબાઈલ લુંટી લીધો હતો.સચીન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ બાદ ફુટેજના આધારે કિશોરને પકડી જુવેનાઇલ હોમ અને 19 વર્ષના આરોપી મહાવીર પાસીને જેલભેગો કરાયો હતો.મહાવીર પાસીએ કિશોરને જુવેનાઇલ બોર્ડે જામીન આપ્યા હોવાથી સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માંગ્યા હતા.

જેના વિરોધમાં એપીપી તેજસ એ.પંચોલીએ જણાવ્યું હતું કે આ કેસના અન્ય આરોપી રણજીતને પકડવાનો બાકી હોઈ તપાસ ચાલુ છે.આરોપી પરપ્રાંતીય હોઈ ટ્રાયલમાં હાજર ન રહે કે સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવના છે.કોર્ટે જામીનની માંગ નકારી જણાવ્યું હતું કે કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને જામીન આપવા અંગે જુવેનાઈલ જસ્ટીસ એક્ટની જોગવાઈઓમાં માપદંડના આધારે જુવેનાઈલ જસ્ટીસ બોર્ડે નિર્ણય કરવાનો હોય છે.આ સંજોગોમાં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ તથા સેશન્સ કોર્ટ સમક્ષ ક્રી.પ્રો.કોડની કલમ439 હેઠળ જામીનનો નિર્ણય કરવાના માપદંડ અલગ છે.

Share Now