ઠાકરે પરિવાર પાસેથી ધનુષબાણ છીનવી લેવાની હિંમત કોઈનામાં નથી

112

એક તરફ ધનુષબાણ જવાની ભીતિ અને બીજી બાજુ કોઈની હિંમત ન હોવાનો ઉદ્ધવ ઠાકરેનો વિચિત્ર સંદેશ:શિવસેના પ્રમુખે કાર્યકરોને બીજા ચૂંટણીચિહન માટે તૈયાર રહેવાનું કહ્યું અને શિંદે જૂથને એ છીનવવાનો પડકાર પણ ફેંક્યો

એકનાથ શિંદે જૂથે સત્તા મેળવ્યા બાદ હવે તેઓ શિવસેનાનું ચૂંટણીચિહન ધનુષબાણ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે શિવસેના-પ્રમુખે પોતાના હાથમાંથી ધનુષબાણ જવાની શક્યતા હોવાથી કાર્યકરોને શિવસેનાના નવા ચૂંટણીચિહન માટે તૈયાર રહેવાનો સંદેશ ગઈ કાલે આપ્યો હતો.આની સામે પત્રકારો સાથેની વાતચીતમાં કોઈનામાં ઠાકરે પરિવાર પાસેથી ધનુષબાણ છીનવી લેવાની હિંમત ન હોવાનું પણ ગઈ કાલે કહ્યું હતું.આ સમયે તેમણે બળવો કરનારા એકનાથ શિંદે જૂથને રાજીનામાં આપીને વચગાળાની ચૂંટણીમાં સામનો કરવાનો પડકાર પણ કર્યો હતો.ઉદ્ધવ ઠાકરેની બંને પ્રકારની વાતથી તેઓ પોતે મૂંઝવણમાં હોવાનું લાગી રહ્યું છે.

ઉદ્ધવ ઠાકરેએ કાર્યકરોને ગાફેલ ન રહેવાની સાથે કહ્યું હતું કે આપણે ધનુષબાણ આપણી પાસે રહે એ માટેના તમામ પ્રયાસ કરીશું,પણ એ હાથમાંથી જશે તો નવા ચિહનની તૈયારી રાખજો.બીજી તરફ શિવસેના-પ્રમુખે માતોશ્રીમાં પત્રકારો સાથેની વાતચીતમાં બળવો કરનારા એકનાથ શિંદે જૂથને પડકાર ફેંક્યો હતો કે તેઓ શિવસેના પાસેથી ધનુષબાણ છીનવી નહીં શકે.એટલું જ નહીં,તેમણે કહ્યું હતું કે બળવો કરીને સરકારની સ્થાપના કરનારા વિધાનસભ્યોમાં જો હિંમત હોય તો તેઓ રાજીનામાં આપે અને વચગાળાની ચૂંટણીમાં શિવસેનાનો સામનો કરે,કોણે ખોટું કર્યું છે એ લોકો નક્કી કરશે.

દરમ્યાન,શિવસેનાના સંસદસભ્યોએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને એનડીએના રાષ્ટપ્રતિપદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂને સમર્થન આપવાની માગણી કરી હતી.ઉદ્ધવ ઠાકરેએ તેમની માગણી માન્ય રાખી છે અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન આપવાનું ગઈ કાલે કહ્યું હતું.

Share Now