થાણે-ઘોડબંદર રોડ પર ૨૦૦ મીટરનું અંતર કાપવા માટે એક કલાક લાગ્યો

128

ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તા પર મોટા ખાડા પડ્યા હોવાથી ગઈ કાલે ટ્રાફિક જૅમ થયો હતો અને વાહનચાલકો,વિદ્યાર્થીઓ તથા કામધંધે જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો થાણેમાં ગઈ કાલે સવારે અભૂતપૂર્વ ટ્રાફિક જૅમ થયો હતો.રોડ પરના ખાડાઓને કારણે મુંબઈ-નાશિક હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.માત્ર ૨૦૦ મીટરનું અંતર કાપવા માટે ડ્રાઇવરોને એક કલાક લાગ્યો હતો.પરિણામે સવારે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ અને નોકરીએ જતા નાગરિકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.એ સાથે ટ્રાફિક વિભાગના અધિકારીઓએ પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

થાણે શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તા પર મોટા ખાડાઓથી ગઈ કાલે ટ્રાફિક જૅમ થઈ ગયો હોવાથી વાહનચાલકો અને નાગરિકોએ હાડમારી વેઠવી પડી હતી.થાણે અને ભિંવડી રોડ સાથે નાશિક હાઇવે પર મોટો ટ્રાફિક જોવા મળ્યો હતો જેમાં નાશિક રોડ પરથી માજીવાડા તરફ જતાં વાહનો મોટા ખાડાઓ ભરવાનું કામ ચાલુ હોવાથી કલાકો સુધી અટવાયાં હતાં.ઘોડબંદર કાસરવડવલીથી નાગલા બંદર તરફ જતા રસ્તામાં પણ ટ્રાફિક જૅમમાં લોકો ફસાયા હતા.

એ જ સમયે ભિવંડીથી થાણેના સાકેત બ્રિજથી ભિવંડી રંજનોલી નાકા સુધીના રસ્તા પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.માત્ર ૧૫થી ૨૦ મિનિટનું અંતર કાપવામાં વાહનોને બે કલાક લાગ્યા હતા.સવારે સ્કૂલમાં જતા અનેક વિદ્યાર્થીઓ રસ્તામાં ફસાયા હતા. રિક્ષાઓ સાથે થાણે ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો પણ ટ્રાફિક જૅમમાં કલાકો સુધી ફસાયેલી જોવા મળી હતી.મુમ્બ્રા પાસે લૅન્ડસ્લાઇડને લીધે ટ્રાફિક બીજે વાળવામાં આવ્યો હતો.પરિણામે ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો હતો.

Share Now