કેન્દ્ર સાથે મળીને રાજ્યના સર્વાંગી વિકાસના આશીર્વાદ લેવા દિલ્હી આવ્યા એકનાથ શિંદે:અમિત શાહ,રાજનાથ સિંહ,જે.પી.નડ્ડા,રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખભેખભા મિલાવીને કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા બે દિવસથી દિલ્હીમાં છે.તેમણે શુક્રવારે રાત્રે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગઈ કાલે રક્ષાપ્રધાન રાજનાથ સિંહ,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
રાજ્યમાં સરકારની સ્થાપના થયા બાદ તેઓ દિલ્હીમાં વરિષ્ઠોના આશીર્વાદ લેવા માટે આવ્યા હોવાનું એકનાથ શિંદેએ કહ્યું હતું.કેન્દ્ર અને રાજ્ય ખભેખભા મિલાવીને સામાન્ય જનતાનું કામ કરવાની સાથે રાજ્યનો વિકાસ કેવી રીતે કરી શકાય એ બાબતની ચર્ચા વરિષ્ઠો સાથે થઈ હોવાનું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.૨૦૧૯માં બીજેપી-શિવસેના યુતિને જનતાએ આશીર્વાદ આપ્યા હોવાથી ફરી બંને પક્ષ રાજ્યના હિત માટે કામ કરશે એવું બંનેએ આ સમયે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું.આજે અષાઢી એકાદશી છે.ત્યાર બાદ રાજ્યના પ્રધાનમંડળની રચના કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.
૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન દેવેન્દ્ર ફડણવીસની સરકારે મેટ્રો,સમૃદ્ધિ માર્ગ અને જલયુક્ત શિવાર સહિતની રાજ્યના સર્વાંગી વિકાસની યોજના શરૂ કરી હતી એને મહાવિકાસ આઘાડી સરકારનાં અઢી વર્ષમાં બ્રેક લાગી હતી.આ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે‘રાજ્યનો સર્વાંગી વિકાસ થાય એ માટે સરકારની સ્થાપના થયા બાદ અમે વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન અને આશીર્વાદ મેળવવા માટે દિલ્હી આવ્યા છીએ.દેવેન્દ્ર ફડણવીસે શરૂ કરેલું કામ આગળ વધારવાની સાથે સામાન્યથી સામાન્ય લોકોની સામાજિકથી લઈને આર્થિક સ્થિતિમાં સુધારો કરવાની નેમથી અમે સત્તામાં આવ્યા છીએ.રાજ્યને કાયમ કેન્દ્રની મદદની જરૂર રહે છે.આથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો અમને પહેલેથી જ સારું કામ કરીને રાજ્યના વિકાસને આગળ વધારવાના આશીર્વાદ આપ્યા છે.તેમનું માર્ગદર્શન મળે એ માટે અમે તેમને મળ્યા હતા.’