મુંબઈના રસ્તાઓમાં પડ્યા હતા ૭૨૧૧ ખાડા

96

બીએમસીએ ૧ એપ્રિલથી ૭ જુલાઈ સુધીમાં આટલા ખાડા પૂર્યા:વરસાદ અટકતાં યુદ્ધના ધોરણે આખા શહેરમાં ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું:ગયા વર્ષે ૧૦,૧૯૯ ખાડા સામે આ વર્ષે રસ્તા ઓછા ખરાબ થયા હોવાનો કર્યો દાવો ચોમાસામાં મુંબઈમાં ખાડા નહીં પડે એવો દાવો દર વર્ષે કરવામાં આવે છે,પરંતુ વરસાદ પડ્યા બાદ તરત જ શહેરભરના રસ્તાઓમાં અસંખ્ય ખાડા પડવાને લીધે ઘણી વાર લોકોનો જીવ જાય છે અને ટ્રાફિક જૅમનો પણ સામનો કરવો પડે છે.બીએમસીએ દાવો કર્યો છે કે આ વર્ષે ૧ એપ્રિલથી ૭ જુલાઈ સુધીમાં ૭૨૧૧ ખાડા પૂરવામાં આવ્યા છે.

અત્યારે વરસાદે વિરામ લીધો હોવાથી બાકીના ખાડા પૂરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે.ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ૧૦,૧૯૯ ખાડા પડ્યા હોવાનું પણ જણાવ્યું હતું.આ વર્ષે ૧૨,૬૯૫ ચોરસ મીટર ખાડાઓને ભરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ચોમાસાની શરૂઆતમાં જ આટલા ખાડા પડ્યા છે તો આખી સીઝનમાં ખાડાઓની સંખ્યા કેટલી થશે? એવો સવાલ કરાઈ રહ્યો છે.ચોમાસામાં રસ્તામાં ખાડા દેખાય તો એની ફરિયાદ કરવા માટે મુંબઈ બીએમસીએ વેબસાઇટ,મોબાઇલ ઍપ,સોશ્યલ મીડિયા,ટોલ-ફ્રી નંબર વગેરે જાહેર કર્યાં છે.મુંબઈ શહેરમાં આવેલા ૨૦૫૫ કિલોમીટરના રસ્તામાંથી ૧૨૫૫ રસ્તા ડામરના અને ૮૦૦ કિલોમીટર રસ્તા કૉન્ક્રીટના છે.

બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર(પ્રોજેક્ટ્‌સ)પી.વેલારાસુએ આપેલી માહિતી મુજબ દર વર્ષની જેમ આ ચોમાસામાં પણ રસ્તામાં પડેલા ખાડાને પૂરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.રસ્તા પરના ખાડાની સમસ્યા બાબતે બીએમસી દ્વારા સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી છે,જે ખાડા શોધીને એ ભરવાનું કામ યુદ્ધના ધોરણે કરે છે.ખાડો પડ્યો હોવાની ફરિયાદ મળ્યાના ૪૮ કલાકમાં એ ભરવાની મુદત હોવા છતાં કોલ્ડમિક્સ ટેક્નૉલૉજીની મદદથી ૨૪ કલાકમાં એ ભરી દેવામાં આવે છે.

Share Now