દુર્ઘટનાના દિવસે પવિત્ર ગુફાની આસપાસના વિસ્તાર માટે યલો અલર્ટ જ જાહેર કરવામાં આવી હતી ભારતીય હવામાન વિભાગ પવિત્ર અમરનાથ ગુફાના એરિયામાં વેધરની સચોટ આગાહી કરવામાં નિષ્ફળ રહ્યો હતો.નોંધપાત્ર છે કે,શુક્રવારે અમરનાથ નજીક વાદળ ફાટતાં આવેલાં પૂરને કારણે ૧૬ જણનાં મોત થયાં હતાં અને ૪૦ લોકો હજી લાપતા છે.હવામાન વિભાગે શુક્રવારે પવિત્ર ગુફાની આસપાસના વિસ્તાર માટે યલો અલર્ટ જાહેર કરી હતી.યલો અલર્ટ એ વાતની ચેતવણી નહોતી કે અત્યંત ભારે વરસાદ પડશે.આ જ કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ એ અલર્ટને એટલું ગંભીરતાથી નહોતું લીધું અને અમરનાથ યાત્રાને અટકાવવામાં નહોતી આવી.
વાસ્તવમાં હવામાન વિભાગ અમરનાથ યાત્રાને લઈને સવારે અને સાંજે બે વખત આગાહી કરે છે.સાંજે ચાર વાગ્યે બુલેટિનમાં પણ હવામાન વિભાગ વેધરનો અંદાજ નહોતો લગાવી શક્યો.હવામાન વિભાગે વાદળ છવાઈ જવાની અને હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી.જોકે સાડાપાંચ વાગ્યે પડેલા ખૂબ જ ભારે વરસાદથી વિનાશ વેરાયો હતો.
હવે ખરાબ હવામાનને કારણે જમ્મુથી અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે અને બેઝ કૅમ્પથી હિમાલયમાં ૩૮૮૯ મીટર ઊંચાઈ પર આવેલા ગુફાના મંદિરમાં જવા માટે કોઈ પણ નવી ટુકડીને મંજૂરી આપવામાં આવી નથી.દર વર્ષે ૩૦ જૂનથી કુલ ૪૩ દિવસ સુધી ચાલતી આ યાત્રા અનંતનાગના નુનવા-પહલગામ અને ગંદરબાલથી શરૂ થઈ હતી.અધિકારીએ જણાવ્યા પ્રમાણે એક લાખથી વધુ શ્રદ્ધાળુએ ગુફાના મંદિરમાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગ પાસે પ્રાર્થના કરી છે.નોંધપાત્ર છે કે,અમરનાથ યાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ ગયા છે.