નવી દિલ્હી : એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન(EPFO)તેની 29 અને 30 જુલાઈની મીટિંગમાં કેન્દ્રીય પેન્શન વિતરણ સિસ્ટમની સ્થાપના માટેના પ્રસ્તાવ પર વિચારણા કરશે અને તેને મંજૂરી આપશે. સમગ્ર ભારતમાં એક સાથે 73 લાખથી વધુ પેન્શનરોના બેન્ક ખાતામાં પેન્શન જમા કરવાનો માર્ગ મોકળો થશે. હાલમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(EPFO)ની 138 થી વધુ પ્રાદેશિક કચેરીઓ તેમના પ્રદેશમાં લાભાર્થીઓને અલગથી પેન્શનનું વિતરણ કરે છે.આમ,વિવિધ પ્રાદેશિક કચેરીઓના પેન્શનરોને અલગ-અલગ સમયે કે દિવસે પેન્શન મળતું હોય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે,“29 અને 30 જુલાઈના રોજ નિર્ધારિત બેઠકમાં EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ(CBT)માં કેન્દ્રીય પેન્શન વિતરણ પ્રણાલી સ્થાપિત કરવા માટેની દરખાસ્ત મૂકવામાં આવશે.” સ્ત્રોતે વધુમાં જણાવ્યું હતું કે પેન્શન દેશમાં 138થી વધુ પ્રાદેશિક કચેરીઓના કેન્દ્રીય ડેટાબેઝનો ઉપયોગ કરીને વિતરિત કરવામાં આવશે અને આનાથી એક સાથે જ 73 લાખથી વધુ લાભાર્થીઓના બેન્ક ખાતામાં પેન્શનની રકમ જમા કરાવવાની સુવિધા મળશે.
તમામ પ્રાદેશિક કચેરીઓ તેમના પ્રદેશોમાં પેન્શનરોને અલગથી પેન્શનનું વિતરણ કરે છે અને તેથી જ દેશભરના પેન્શનરોને અલગ-અલગ સમયે કે દિવસોમાં પેન્શન મળે છે.20 નવેમ્બર,2021ના રોજ યોજાયેલી CBTની 229મી બેઠકમાં,ટ્રસ્ટીઓએ C-DAC દ્વારા કેન્દ્રીયકૃત IT-સક્ષમ સિસ્ટમ્સના વિકાસ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.શ્રમ મંત્રાલયે મીટિંગ પછી એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમ શરૂ થશે પછી ક્ષેત્રની કાર્યક્ષમતા કેન્દ્રીય ડેટાબેઝ પર તબક્કાવાર રીતે આગળ વધશે જેથી સરળ કામગીરી અને વધુ સારી વિતરણ સેવા શક્ય બનશે.