નવી દિલ્હી : સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના ભારતના પ્રયાસોને મોટી સફળતા મળી છે.ભારતીય નેવીના ડાયરેક્ટરેટ ઓફ નેવલ ડિઝાઇન(DND)દ્વારા તૈયાર કરાયેલા અને કોચિન શિપયાર્ડ ખાતે બનેલા સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતનું ચોથા તબક્કાનું દરિયાઇ પરીક્ષણ સફળ રહ્યું છે.ભારતીય નેવીએ જણાવ્યું હતું કે,“રવિવારે કરાયેલા ટેસ્ટિંગમાં મોટા ભાગના ઇક્વિપમેન્ટ અને સિસ્ટમ્સનો સમાવેશ કરાયો હતો.સૂચિત ટ્રાયલ વિક્રાંતને ૧૫ ઓગસ્ટે ભારતીય નેવીમાં સામેલ કરવાની તારીખ પહેલાં કરાયું હતું.નેવીએ પરીક્ષણની તસવીરો પણ જારી કરી હતી.જેમાં ફાઇટર જેટ MiG-29K વિક્રાંત પર જોઈ શકાતું હતું. સામાન્ય રીતે આ વિમાન તેના એક માત્ર એક્ટિવ કેરિયર INS વિક્રમાદિત્ય પરથી જ ઉડાન ભરે છે.
DNDએ ડિઝાઇન કરેલા વિક્રાંતનું નિર્માણ સરકારી કંપની કોચિન શિપયાર્ડ દ્વારા કરાયું છે.૩૭,૫૦૦ ટનની વહન ક્ષમતા ધરાવતા આ યુદ્ધજહાજને પગલે ભારત અમેરિકા,બ્રિટન,રશિયા,ફ્રાન્સ અને ચીન જેવા ગણતરીના દેશોની હરોળમાં આવી ગયું છે.INS વિક્રાંત પરથી હવે MiG-29K ફાઇટર જેટ, કામોવ-૩૧ હેલિકોપ્ટર્સ, MH-60R મલ્ટિ-રોલ હેલિકોપ્ટર્સ અને સ્વદેશી આધુનિક લાઇટ હેલિકોપ્ટર્સ ઉડાન ભરી શકશે. ઉલ્લેખનીય છે કે,નેવીના ૧૯૬૧થી ૧૯૯૭ના ગાળામાં કાર્યરત INS વિક્રાંતના નામ પરથી નવા એરક્રાફ્ટ કેરિયરનું નામ રાખવામાં આવ્યું છે.