સુરત જિલ્લાનું પ્રાકૃતિક કૃષિ મોડેલ દેશનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છેઃ મોદી

115

સુરત : સુરતમાં રવિવારે પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું હતુ.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી કહ્યું કે,સુરત જિલ્લાનું પ્રાકૃતિક કૃષિ મોડેલ સમગ્ર ભારત દેશનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે.સુરત જિલ્લાના ગામડાઓ અને જાગૃત ખેડૂતોએ સાબિત કર્યું છે કે,ગામડાઓ માત્ર પરિવર્તન લાવી શકતા નથી,પણ પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છે.

સુરતના પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે,,દેશનો એક વર્ગ માનતો હતો કે,ગામડાઓમાં પરિવર્તન લાવવું સરળ નથી,પરંતુ ડિજિટલ ઈન્ડિયા મિશનની સફળતાએ આ માન્યતાનો છેદ ઉડાડી દીધો છે.આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક કૃષિ,સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે,જે આવનારા સમયમાં મોટા ફેરફારનો આધાર બની જશે.

સુરત જિલ્લાનું પ્રાકૃતિક કૃષિ મોડેલ સમગ્ર ભારત દેશનું કૃષિ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે.સુરત જિલ્લા વહીવટી તંત્રએ સુવ્યવસ્થિત આયોજન કરીને પ્રાકૃતિક કૃષિ જન આંદોલન બનાવવા બીડું ઉઠાવ્યું છે એ માત્ર ગુજરાત જ નહીં,પરંતુ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે.જિલ્લાના ૬૯૩ ગામોની ૫૫૬ ગ્રામ પંચાયતોમાંથી કુલ ૪૧,૭૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવીને વિમુક્ત ખેતીના નવા અધ્યાય તરફ ડગ માંડયા છે,ત્યારે હીરા ઉદ્યોગની ચમકથી વિશ્વ સ્તરે ઝળહળતું સુરત હવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રમાં પણ દેશને દિશા ચીંધશે તેવું પણ તેમણે કહ્યું હતુ.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે,વિશ્વમાં કેમિકલ ફ્રી કૃષિ ઉત્પાદનોની લોકપ્રિયતા સતત વધી રહી છે,દેશમાં વધુને વધુ ખેડૂત પ્રાકૃતિક ખેતી પ્રતિ જાગૃત બને એ માટે છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા નિરંતર પ્રયાસ કરે છે.તેમણે આ સંદર્ભે ગુજરાતના રાજ્યપાલની સરાહના કરતાં કહ્યું કે,આચાર્ય દેવવ્રતજી જાતે પ્રાકૃતિક ખેતી કરી તેના અદ્દભુત પરિણામો સામાન્ય ખેડૂત સુધી પહોંચાડયા છે.રાજ્ય સરકારના સહયોગ અને રાજ્યપાલના પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ગામેગામ પહોંચી ચૂકી છે.

Share Now