શ્રીલંકામાં ચાલતા વિરોધ-પ્રદર્શન વચ્ચે ગઈ કાલે વડા પ્રધાનની ઑફિસમાંથી બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે જો સર્વપક્ષીય સરકારની રચના મામલે સમાધાન થાય તો કૅબિનેટના તમામ પ્રધાનો રાજીનામું આપી દેશે.વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘે દ્વારા ગઈ કાલે કોલંબોમાં તમામ પ્રધાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી,જેમાં સર્વપક્ષીય સરકાર માટે સૌ સંમત થયા હતા તેમ જ નવી સરકારને જવાબદારી સોંપવા પણ તેઓ તૈયાર હતા.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સે આવતી કાલે રાજીનામું આપવાના છે.શનિવારે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના ઘર અને ઑફિસમાં ઘુસી ગયા હતા.એટલું જ નહીં,વડા પ્રધાનના નિવાસસ્થાનને આગ પણ ચાંપી હતી.ગઈ કાલે રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન જોવા માટે લોકોએ તેમના ઘરની બહાર મોટી લાઇન પણ લગાવી હતી.શ્રીલંકામાં થયેલા ભાવવધારા અને ફુગાવાને કારણે ત્યાંના સામાન્ય લોકોમાં સરકાર પ્રત્યે ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે.
ભારતે શ્રીલંકામાં સૈન્ય મોકલ્યું હોવાના અહેવાલને સ્પષ્ટ રીતે રદિયો આપ્યો છે.અગાઉ બીજેપીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યન સ્વામીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે જો શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોયાબાયા રાજપકસે આ પ્રકારની મદદની વિનંતી કરે તો ભારતે લશ્કરને શ્રીલંકા મોકલવું જોઈએ.ભારતે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશને કહ્યું હતું કે ભારત શ્રીલંકાના લોકોની પડખે ઊભું છે.