સુરત : સુરત જિલ્લાના ચેરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં છેલ્લા 36 કલાકમાં દેમાર 19 ઇંચ વરસાદ ખાબકતા સમ્રગ તાલુકામાં પાણીની રેલમછેલ થઇ જતા જળબંબાકાર થતા નીચાણવાળા વિસ્તારો તેમજ કાચા મકાનોમાંથી સ્થળાંતર શરૃ કરાયુ છે.આ સિવાયના તાલુકામાં પણ દેમાર વરસાદ વરસી રહ્યો છે.
ફ્લડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા બાદ વિતેલા ૩૬ કલાકથી સર્વત્ર ઓછા વધતા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે.ગઇકાલ રવિવારે સુરત જિલ્લાના ચેરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં ૫ ઇંચ વરસાદ ઝીંકાયા બાદ મેઘરાજાનું આ જોર આજે પણ ચાલુ જ રહેતા આખો દિવસ સાબલેઘાર વરસાદ વરસતા દિવસના સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં અધધધ ૧૪ ઇંચ વરસાદ ખાબકયો હતો.
આમ ૩૬ કલાકમાં ૧૯ ઇંચ વરસાદના કારણે ઉમરપાડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.કેટલાક રસ્તાઓ તેમજ ગામો સંર્પક વિહોણા થઇ ગયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં રહેનારા તેમજ કાચા મકાનોમાં રહેનારાઓને સ્કુલમાં કે પછી સંબંધીઓને ત્યાં સ્થળાતર કરાયુ છે.
ઉમરપાડા તાલુકાની સાથે જ માંગરોળમાં પણ આજે દિવસના પાંચ ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા છે.સુરત જિલ્લ્લા કલેકટર આયુષ ઓકના જણાવ્યા મુજબ ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદના કારણે કોઇ જાનહાનિ થઇ નથી.પરંતુ કાચા મકાનોમાં રહેનારા લોકોને તકેદારીના ભાગરૃપે સ્થળાંતર કરાઇ રહ્યુ છે.આ સિવાય ઓલપાડ તાલુકામાં પાંચ જાનવરો તણાઇ ગયાના મેસેજ મળ્યા છે.ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.આ સિવાય અન્ય તાલુકા અને સુરત શહેરમાં દોઢ ઇંચ થી બે ઇંચ સુધીનો વરસાદ ખાબકયો હતો.