બીજેપી ફરી આપશે સરપ્રાઇઝ?

128

મુંબઈ : શિવસેનામાં બળવો કરનારા એકનાથ શિંદે અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે ૩૦ જૂને મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.બીજેપીના સમર્થનથી એકનાથ શિંદે સરકારે વિધાનસભામાં બહુમતી પણ પુરવાર કરી દીધી છે.નવી સરકારને આજે ૧૩ દિવસ થયા હોવા છતાં હજી સુધી પ્રધાનમંડળની રચના કરવામાં નથી આવી.પહેલાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવાતી હતી, પરંતુ હવે કોર્ટમાં મામલો લંબાયો છે.આથી ટૂંક સમયમાં જ ખાતાંની ફાળવણી થવાની આશા હતી.જોકે એકનાથ જૂથના પ્રવક્તા દીપક કેસરકરે ગઈ કાલે ૧૮ જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ જ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવાના સંકેત આપ્યા છે એટલે હજી રાહ જોવી પડશે.

બીજેપીએ અચાનક એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવીને સૌને ચોંકાવી દીધા હતા એવી જ રીતે એ પ્રધાનમંડળની રચનામાં પણ ફરી એક વખત માસ્ટરસ્ટ્રોક મારશે એવું કહેવાય છે.નવી સરકારને ૧૩ દિવસ થયા બાદ પણ હજી સુધી પ્રધાનમંડળનું વિસ્તરણ કેમ નથી થયું? એવા સવાલના જવાબમાં એકનાથ શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે ગઈ કાલે કહ્યું હતું કે‘આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી મહત્ત્વની બેઠક છે, જેમાં અમારા પ્રતિનિધિ સામેલ થશે.એ પછી એટલે કે આવતી કાલે એનડીએનાં રાષ્ટ્રપતિપદ માટેનાં ઉમેદવાર દ્રોપદી મુર્મુ સમર્થન મેળવવા માટે મુંબઈની મુલાકાતે આવવાનાં છે.આથી બધા વ્યસ્ત હોવાથી રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થયા બાદ જ પ્રધાનમંડળનું વિસ્તરણ હાથ ધરાવાની શક્યતા છે.’

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે ગયા અઠવાડિયે દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી.આ મુલાકાત પહેલાં પ્રધાનમંડળના ગૃહ ખાતા માટે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ખેંચતાણ હોવાની વાત ઊડી હતી.જોકે બાદમાં આ મામલે સમજૂતી થઈ હોવાનું કહેવાય છે.સૂત્રોના જણાવ્યા મુજબ શા માટે પ્રધાનમંડળના વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે એની પાછળ ખાસ કોઈ કારણ નથી.

જોકે કહેવાય છે કે એકનાથ શિંદેને અચાનક મુખ્ય પ્રધાન બનાવીને બીજેપીએ સૌને ચોંકાવી દીધા છે એવી જ રીતે પ્રધાનમંડળના વિસ્તરણમાં પણ ફરી આંચકો આપી શકે છે.ત્રણ-ચાર મહત્ત્વનાં ખાતાં બીજેપી પોતાની પાસે રાખીને બાકીનાં ખાતાં બંને પક્ષમાં સરખે ભાગે વહેંચવામાં આવે એવી શક્યતા છે.આની પાછળનો તર્ક એ છે કે મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેનાને માત્ર ૧૧ પ્રધાનપદ મળ્યાં હતાં.મુખ્ય પ્રધાન હોવા છતાં શિવસેનાને મહત્ત્વનાં ન હોય એવાં ઓછાં ખાતાં મળવાથી જ એકનાથ શિંદે સહિતના શિવસેનાના વિધાનસભ્યો નારાજ હતા.અત્યારે આ જૂથ જ બીજેપી સાથે સરકારમાં સામેલ છે.બીજેપીના વિધાનસભ્યોની સંખ્યા કરતાં એકનાથ શિંદે પાસે અડધા વિધાનસભ્યો હોવા છતાં તેમને ખુશ રાખવા જરૂરી છે.

જો તેઓ નારાજ થાય તો ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર ટાંપીને બેઠા છે એટલે તેમની સાથે થઈ જાય તો સરકાર સંકટમાં મુકાઈ શકે છે.આ વાત બીજેપીના નેતાઓ સારી રીતે જાણે છે.આથી સરકારને અઢી વર્ષ ટકાવી રાખવા માટે એકનાથ શિંદે જૂથને ત્રીજા ભાગનું નહીં,સરખા ભાગે પ્રધાનમંડળમાં સ્થાન બીજેપી આપી શકે છે.

Share Now