રાહદારીઓના દુશ્મન અનેક

109

મુંબઈ : માત્ર ફેરિયાઓએ જ નહીં,પગપાળા જનારાઓની ફુટપાથની જગ્યાઓ પર હાઉસિંગ સોસાયટી,કમર્શિયલ કૉમ્પલેક્સ,ત્યજી દેવાયેલાં અને પાર્ક થયેલાં વાહનો,ગૅરેજ,ખાણી-પીણીની દુકાનો અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સે પણ કબજો જમાવ્યો છે.શહેરના સબર્બ્સ વિસ્તારોમાં આવું ગેરકાયદે દબાણ તમામ જગ્યાએ જોવા મળે છે.

ઈસ્ટ-વેસ્ટ લિન્કને જોડતા અંધેરી-કુર્લા રોડ પર ઘણી બધી ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓ છે.હનુમાન નગર ચકાલામાં ઝૂંપડપટ્ટીઓ છેક ફુટપાથ સુધી આવી ગઈ છે.મેટ્રો સ્ટેશને પણ ફુટપાથની અમુક જગ્યા લઈ લીધી છે,તો અંધેરી મેટ્રો સ્ટેશનની નીચે ફુટપાથ પર વાહનો પાર્ક થાય છે.પરિણામે પગપાળા જનારા લોકો માટે કોઈ જગ્યા જ રહેતી નથી.રાજશ્રી શાહૂ મહારાજ રોડ જે અંધેરી-કુર્લા રોડનો મહત્ત્વનો અપ્રોચ રોડ છે એના પર કોઈ ફુટપાથ જ નથી.‘મિડ-ડે’એ એવાં ઘણાં સ્થળો જોયાં જ્યાં દુકાનોને ગેરકાયદે રીતે લંબાવીને તેમનો માલસામાન ત્યાં મૂકીને ફુટપાથ પર કબજો જમાવી દીધો છે.

ઘાટકોપર-અંધેરી લિન્ક રોડના આ પટ્ટામાં કોઈ ફુટપાથ જ નથી.સ્થાનિક રહેવાસી મંગેશ લોલ્ગેએ કહ્યું કે ઘાટકોપર બેસ્ટ બસ ડેપો નજીક આવેલા રોડ પર કોઈ ફુટપાથ જ નથી.રોડની બન્ને તરફની જગ્યા ગૅરેજના માલિકોએ પચાવી પાડી છે.સિનિયર સિટિઝનો અને બાળકો ત્યાંથી ચાલતાં જવાનો વિચાર પણ કરી શકતાં નથી. કાંદિવલી રેલવે સ્ટેશનની વેસ્ટ સાઇડ પર ફુટપાથ જાણે અસ્તિત્વમાં જ નથી.અડધી જગ્યા દુકાનદારોએ અને બાકીની ફેરિયાઓએ પચાવી પાડી છે.

Share Now