શું નવો અશોક સ્તંભ ગીરના સિંહનું આક્રમક સ્વરૂપ છે?

163

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદભવનના છત પર બનેલા અશોક સ્તંભનું સોમવારે અનાવરણ કરવામાં આવ્યું એ પછી એ મામલે વિપક્ષો સરકારની ટીકા કરી રહ્યા છે.વાસ્તવમાં વિપક્ષો અશોક સ્તંભની ડિઝાઇન સામે સવાલ ઉઠાવી રહ્યા છે.તેમના જણાવ્યા અનુસાર આ અશોક સ્તંભમાં સિંહોનું મુખ આક્રમક રીતે ખુલ્લું છે,જ્યારે ઉત્તર પ્રદેશના સારનાથમાં મૂળ અશોક સ્તંભમાં સિંહોનાં મુખ બંધ છે.

રાષ્ટ્રીય જનતા દળે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે‘મૂળ અશોક સ્તંભના સિંહોના ચહેરા પર સૌમ્યતાનો ભાવ તથા અમૃતકાળમાં બનેલા અશોક સ્તંભના સિંહોના ચહેરા પર માણસો,પૂર્વજો અને દેશનું બધું જ ગળી જવાનો ભાવ જોવા મળે છે.દરેક પ્રતીકચિહ્‍ન માણસની આંતરિક વિચારશક્તિને રજૂ કરે છે.માણસ પ્રતીકોથી સામાન્ય લોકોને દર્શાવે છે કે તેનો સ્વભાવ કેવો છે.’કૉન્ગ્રેસના સંસદસભ્ય અધીર રંજન ચૌધરીએ ટ્વીટ કર્યું હતું કે‘પીએમ નરેન્દ્ર મોદીજી દ્વારા રાષ્ટ્રીય પ્રતીકના અનાવરણના સોલો શોએ ઑલરેડી બંધારણીય નૈતિક આચરણ સહિત અનેક સવાલ ઊભા કર્યા છે.

આપણે બધા આપણા પીએમના‘કોને કોની પરવાહ’ના ઍટિટ્યુડથી વાકેફ છીએ.નરેન્દ્ર મોદીજી,પ્લીઝ સિંહના ચહેરાને ઑબ્ઝર્વ કરો,શું એ ગ્રેટ સારનાથના સ્ટૅચ્યુનું પ્રતિનિધિત્વ કરે છે કે પછી ગીરના સિંહનું વિકૃત સ્વરૂપ છે? પ્લીઝ ચેક કરો અને જરૂર પડે તો સુધારો કરો.’બીજેપીએ ગઈ કાલે મક્કમતાથી જણાવ્યું હતું કે વડા પ્રધાન દ્વારા અનાવરણ કરવામાં આવેલું રાષ્ટ્રીય પ્રતીક એ સારનાથમાં રહેલા રાષ્ટ્રીય પ્રતીકની અદ્દલ પ્રતિકૃતિ છે.

સાથે જ બીજેપીએ વિપક્ષો પર ઇરાદાપૂર્વક રાજકીય કારણસર એક પછી એક વિવાદ સર્જવાનો આરોપ મૂક્યો હતો.સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે મૂળ અશોક સ્તંભના સિંહોને મહાત્મા ગાંધી જેવા શાંત અને શાનદાર ગણાવ્યા છે,જ્યારે નવા સંસદભવન પર બનેલા અશોક સ્તંભના સિંહોને ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસે જેવા ગણાવ્યા છે.તેમણે એના વિશે ટ્વીટ કરીને લખ્યું હતું કે‘ગાંધીથી ગોડસે સુધી,આ મોદીનું નવું ઇન્ડિયા છે.’તાજેતરમાં કાલીમાતા પર કમેન્ટ કરીને વિવાદ સર્જનારા તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય મહુઆ મોઇત્રાએ કંઈ પણ લખ્યા વિના મૂળ અશોક સ્તંભ અને નવા અશોક સ્તંભની તસવીરો શૅર કરી હતી.

Share Now