વિકાસ ફરી ગાંડો થયો છે : વિપક્ષી નેતા દ્વારા શહેરમાં બેનર લગાવાયા

148

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બાદ ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યાને લઈને વિપક્ષી નેતા શહેજાદ પઠાણ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.વિપક્ષી નેતા દ્વારા શહેરમા ઠેરઠેર વિકાસ ફરી ગાંડો થયો છે લખેલા બેનર લગાવવામાં આવ્યા હતા.જેમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાં ભરાયેલા પાણી દ્વારા લોકોની સમસ્યા ઉજાગર કરાઈ હતી.અમદાવાદ શહેરમાં પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો હોવાનું સામે આવ્યું છે.18 ઈંચ વરસાદ બાદ શહેરમાં ભરાયેલા પાણીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.ત્યારે ભાજપનો એક્શન પ્લાન નિષ્ફળ જતાં વિપક્ષી નેતા શહેજાદ પઠાણે શહેરમાં વિકાસ ફરી ગાંડો થયો છે તેવા બેનર લગાવી અનોખો વિરોધ કર્યો હતો.

અમદાવાદ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શેહજાદખાન પઠાણ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાવા,રોડ તૂટવા,વાહનો બગડી જવા,લોકોની હેરાનગતિ થવી,લોકોના મકાન-દુકાનમાં પાણી ભરાઈ જવા વગેરે જેવા કિસ્સાને ધ્યાનમાં લઈને શહેરમાં વિકાસ ફરી ગાંડો થયો છે એવા બેનર લગાવવામાં આવ્યા હતા.આ બેનરોમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલા પાણીની તસવીરો પણ દર્શાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે,2017માં વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ દ્વારા આ પ્રકારના વિકાસ ગાંડો થયો હોવાના બેનર લગાવવામાં આવ્યા હતા. ખાસ કરીને મેમનગરમાં આખો રોડ તૂટી ગયો હતો અને ફરી બનાવવામાં ઓછામાં ઓછા બે વર્ષથી વધારેનો સમય લાગવાના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.તે બાબતે ધ્યાનમાં લઈને મેમનગર સહિત અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા હતા.વિપક્ષી નેતા દ્વારા ચોમાસામાં પાણી ભરવાને કારણે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હોઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તે બાબતને ધ્યાનમાં લઈને બેનરો લગાવાયા હતા.

Share Now