મહુવા તાલુકાની પુર્ણા નદીમાં ઘોડાપુર ત્રણ ગામોમાં ફરી વળ્યા

120

સુરત : મહુવા તાલુકામાં ભારે વરસાદના કારણે પુર્ણા નદી કિનારે આવેલા ત્રણ ગામોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ૩૨ પરિવારના ૧૫૯ વ્યકિતઓનું સલામત સ્થળાંતર કરાયુ હતુ.આ તમામને રહેવાની અને ફુડ પેકેટની વ્યવસ્થા કરાઇ હતી.સાથે જ અસરગ્રસ્તોનો સર્વે કરીને કેશડોલનું વિતરણ કરવા કલેકટરે આદેશ કર્યો હતો.મહુવા તાલુકાના ઉપરવાસના ભાગોમાં ભારે વરસાદના કારણે આ તાલુકામાંથી પસાર થતી પુણા નદીમાં ઘોડાપુર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.મહુવા ખાતે ઝાપાબજારમાં લોકોના ઘરમાં ૨ થી ૩ ફુટ પાણી ભરાયા હતા.

આ ઉપરાંત નદી કિનારાના મહુવાના બુઘલેશ્વર,ચિત્રા,ખરડ ગામોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા.સ્થાનિક લોકોના સહકારથી મામલતદારની ટીમ દ્વારા ૩૨ પરિવારોના ૧૫૯ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળ સ્થળાંતર કરાયુ હતુ.અને કોમ્યુનિટી કીચનનું આયોજન કરીને ફુડ પેકેટની પણ વિતરણ કરાયુ હતુ.ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી,અનાજ અને પશુના ચારાને પણ નુકસાન થવા પામ્યુ હતુ.સુરત જિલ્લા કલેકટરે આ ગામોની મુલાકાત લઇ સંબંધિત અધિકારીઓને તત્કાલ સર્વે કરીને અસરગ્રસ્તોને કેશડોલ આપવા જણાવ્યુ હતુ.પુણા નદીમાં પાણી ઓસરતા ઠેરઠેર ભરાયેલા પાણી ઓછા થતા આ તમામ અસરગ્રસ્તો પોતાના ઘરોમાં હેમખેમ પરત ફર્યા હતા.

Share Now