બારડોલી : બારડોલી તાલુકાના ભુવાસણ ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા દીપકભાઈ માહ્યાવંશી અને કિરણભાઈ માહ્યાવંશીના બે મકાનોનો મોભનો ભાગ ભારે વરસાદને કારણે તૂટી પડ્યો હતો.ઘટનાની જાણ થતાં જ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર અને સ્થાનિક નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું.તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.પૂર્ણા નદીની જળ સપાટી વધતા જ વહીવટી તંત્રની ચિંતા ફરી વધી ગઈ છે.બારડોલીના છેવાડાના ખરડ(છીત્રા)ગામનો સંપર્ક ફરી તૂટી ગયો છે.માત્ર ચાર પાંચ કલાક રસ્તો ખુલ્લો રહ્યા બાદ ફરી ગરનાળા પર પાણી ફરી વળતા સ્થાનિકો ફસાય ગયા છે.જ્યારે છીત્રા ગામની ફરતે પણ મોડી રાત્રે પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ હતી.વહીવટી તંત્ર દ્વારા ગામના લોકોનો સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. પાણી ખૂબ ઝડપથી વધી રહ્યું હોય ગામના લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે.